ભાવનગર તા.19: ભાવનગરમાં નકલી અને ઝેરી દારૂના સેવનથી સર્જાયેલા ગંભીર કાંડથી
હાહાકાર મચી ગયો છે. શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ડુપ્લીકેટ દારૂ પીવાના કારણે
અનેક લોકોની તબિયત લથડતાં સારવાર માટે હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે અને આજે સાંજ
સુધીમાં મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે જેમાં ચાર લોકોના મૃત્યુ
દારૂ પીવાથી થયા હોવાની પુષ્ટિ થઇ છે જ્યારે એકનું મૃત્યુ શંકાસ્પદ છે. ઉપરાંત બે દર્દીઓની
હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 20થી વધુ લોકો
ભાવનગરની વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ રાજ્ય
સરકાર પણ હરકતમાં આવી છે અને પ્રકરણની તપાસ સ્ટેટ મોનિટારિંગ સેલને સોંપવામાં આવી છે. બીજી તરફ ભાવનગર પોલીસે નકલી દારૂના સપ્લાય
સાથે સંકળાયેલા ચાર બુટલેગરોને ઝડપી લઈ સઘન પૂછપરછ શરૂ કરી છે. ગુજરાતમાં દારૂબંધી
સામે સવાલ ઉઠાવતી વધુ એક શરમજનક ઘટના બની છે. પ્રાથમિક તપાસમાં નકલી દારૂનો આ જથ્થો
મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ભાવનગર લાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. ઉજ્જૈનથી ડુપ્લીકેટ
રોયલ સ્ટેગ દારૂની કુલ 28 પેટી લાવવામાં
આવી હોવાની માહિતી સામે આવી છે, જેમાંથી
પોલીસે અત્યાર સુધીમાં 15 પેટી જપ્ત
કરી લીધી છે. ઘોઘા તાલુકાના ખરકડી ગામે તા.16 ઓગસ્ટના રોજ સાત મિત્રો દ્વારા દારૂની પાર્ટી કરવામાં આવી હોવાનું
જાણવા મળ્યું છે. આ પાર્ટીમાં ડુપ્લીકેટ દારૂનું સેવન કર્યા બાદ કેટલાક લોકોની તબિયત
અચાનક બગડી હતી. સારવાર દરમિયાન ઉપેન્દ્રાસિંહ ચંદ્રાસિંહ ગોહિલનું મૃત્યુ થતાં બનાવની
ગંભીરતા સામે આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં મૃત્યુ પામેલા લોકોમાં કાર્તિક અશ્વિનભાઈ
મકવાણા, ઉપેન્દ્રાસિંહ ચંદ્રાસિંહ ગોહિલ, નરેન્દ્રાસિંહ યાદવ (રહે. ઈન્દોર, મધ્યપ્રદેશ) અને કનકાસિંહ
ગોહિલ (રહે. ભાવનગર), ઘનશ્યામસિંહ જાડેજા (કાળિયાબીડ ભાવનગર)નો
સમાવેશ થાય છે. હાલ ભાવનગરની વિવિધ હોસ્પિટલોમાં 20થી વધુ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું વહીવટી
તંત્ર દ્વારા જણાવાયું છે. કેટલાક દર્દીઓમાં આંખોમાં તકલીફ, શ્વાસ લેવામાં મુશ્કેલી સહિતના ગંભીર લક્ષણો
જોવા મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.