• સોમવાર, 18 મે, 2026

રશિયન તેલ પરની છૂટ લંબાવવા અમેરિકાનો ઈન્કાર

નવી દિલ્હી, તા. 17 : વૈશ્વિક ઊર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે ભારત સહિત વિશ્વને વધુ એક તેલ આંચકાનો ભય છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર પ્રતિબંધોની કામચલાઉ છૂટને લંબાવવાનો ઇન્કાર કર્યો છે. આ છૂટ હવે 16 મેની સમયમર્યાદા પછી સમાપ્ત થઈ ગઈ છે. પશ્ચિમ એશિયા (મધ્ય પૂર્વ)માં ચાલી રહેલાં યુદ્ધ વચ્ચે ઊર્જા સુરક્ષા માટે સસ્તા રશિયન તેલ પર નિર્ભર એવા ભારત અને ઈન્ડોનેશિયા જેવા દેશો માટે મોટો ફટકો પડયો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલાં ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીથી વૈશ્વિક ક્રૂડ ઓઇલ સપ્લાય પર અસર પડી છે. આ કટોકટીનો સામનો કરવા અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવને નિયંત્રણમાં રાખવા માટે વાશિંગ્ટને સૌપ્રથમ માર્ચમાં એક ખાસ છૂટ આપી રશિયન તેલ ટેન્કરો પાસેથી ખરીદી કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જે પહેલાંથી જ લોડ થઈ ચૂક્યા હતા. બાદમાં આયાત કરનારા દેશોના દબાણ હેઠળ, યુએસ નાણા વિભાગે એપ્રિલમાં આ છૂટ 16 મે સુધી લંબાવી હતી. હવે આ છૂટ લંબાવવાનો અમેરિકાએ ઈન્કાર કર્યો હોવાના અહેવાલ છે. દેશના સામાન્ય પરિવારો પહેલાંથી જ વધતા  ઇંધણના ભાવનો ભોગ બની રહ્યા છે, જેના કારણે રાંધણ ગેસની અછત જેવી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. કંપનીઓએ કોમોડિટી ટ્રાકિંગ ફર્મ કેપ્લરના ડેટા અનુસાર ભારતે મે મહિનાના પહેલા અઠવાડિયામાં રશિયાથી રેકોર્ડ 2.3 મિલિયન બેરલ પ્રતિ દિવસ ક્રૂડ ઓઇલ આયાત કર્યું, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે. ભારત તેની તેલ જરૂરિયાતોને પહોંચી વળવા માટે રશિયાના યુરલ્સ ગ્રેડ તેલનો ઉપયોગ વિકલ્પ તરીકે કરી રહ્યું હતું. અમેરિકાના આ નિર્ણયની ભારત પર મોટી અસર પડી શકે છે. ખાડી દેશોમાં ચાલી રહેલા તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 105 ડોલરને વટાવી ગયા છે. હાલમાં તે પ્રતિ બેરલ 109 ડોલરથી ઉપર છે. બે મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવમાં 40 ટકાથી વધુનો વધારો થયો છે. 

Panchang

dd