ધર્મશાલા, તા. 17 : વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ
બેંગ્લુરુ આઇપીએલ-2026 સિઝનમાં
પ્લેઓફમાં પહોંચનારી પહેલી ટીમ બની છે. આજની પહેલી મેચમાં આરસીબીનો પંજાબ કિંગ્સ સામે
23 રને શાનદાર વિજય થયો છે.
શરૂઆતની 7 મેચ સુધી અપરાજિત રહેનારી પંજાબ કિંગ્સની
આ સતત છઠ્ઠી હાર છે. હવે તેના માટે પ્લેઓફનો રાહ ઘણો કઠિન બની ચૂકયો છે. આરસીબીના 4 વિકેટે 222 રનના જવાબમાં પંજાબ ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 188 રને હાંફી ગઇ હતી. આ જીતથી
આરસીબીના 13 મેચમાં 9 જીતથી 18 અંક થયા છે અને પ્લેઓફ માટે
કવોલીફાય થઇ છે. પંજાબના ખાતાંમાં હવે 13 મેચમાં 6 જીતથી 13 અંક છે. 223 રનના વિજય લક્ષ્યનો પીછો
કરતાં પંજાબ કિંગ્સે પાવરપ્લેમાં જ 49 રનમાં 3 વિકેટ ગુમાવી
દીધી હતી. પ્રિયાંશ આર્ય શૂન્યમાં, પ્રભસિમરન સિંઘ 2 અને કપ્તાન શ્રેયસ અય્યર 1 રને આઉટ થયા હતા. ભુવનેશ્વર પ્રારંભે જ ત્રાટકયો હતો અને બે
વિકેટ લીધી હતી. આ પછી કૂપર કોનલીએ 37 અને શ્રેયાંસ શેગડેએ 3પ રનની ઝડપી ઈનિંગ્સ રમી હતી, પણ 93 રનમાં પ વિકેટ પડી જવાથી
પંજાબ દબાણમાં આવી ગયું હતું. આ સ્થિતિમાં શશાંક સિંહ અને માર્કસ સ્ટોઇનિસે આરસીબી
બોલર્સ પર કાઉન્ટર એટેક શરૂ કર્યો હતો. આ બન્ને વચ્ચેની 32 દડામાં 67 રનની ભાગીદારી થઇ હતી. મેચમાં
પંજાબ માટે વિજયની તક બની હતી, પણ સ્ટોઇનિસ 37 રને અને શશાંક 27 દડામાં 4 ચોગ્ગા-4 છગ્ગાથી પ6 રને આઉટ થતાં આરસીબીની જીત નિશ્ચિત બની
હતી. આરસીબી તરફથી રસિખ ડારે 3 વિકેટ લીધી
હતી. ભુવનેશ્વરનાં નામે બે વિકેટ રહી હતી. આ પહેલાં વિરાટ કોહલીના 37 દડામાં 4 ચોગ્ગા-3 છગ્ગાથી આકર્ષક પ8 રન, દેવદત્ત પડીક્કલના 2પ દડામાં 4 ચોગ્ગા-3 છગ્ગાથી 4પ રન અને વૈંકટેશ અય્યરના 40 દડામાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાથી આતશી-અણનમ 73 રનથી આરસીબીના 4 વિકેટે 222 રન થયા હતા. ટિમ ડેવિડ 12 દડામાં 2 ચોગ્ગા-2 છગ્ગાથી 28 રને નોટઆઉટ રહ્યો હતો. પંજાબના
સ્પિનર હરપ્રીત બારને 2 વિકેટ મળી
હતી.