• સોમવાર, 18 મે, 2026

ભચાઉના વોંધમાં દુકાનનાં તાળાં તોડી 85 હજારની તફડંચી

ગાંધીધામ, તા. 17 : ભચાઉ તાલુકાના વોંધ ગામના બસ સ્ટેન્ડ સામે આવેલી દુકાનનાં તાળાં તોડી તેમાંથી ત્રણ શખ્સોએ સીપીયુ, હાર્ડડિસ્ક, રોકડ રૂા. 20,000 મળીને કુલ્લ રૂા. 85,000ની ચોરી કરી નાસી ગયા હતા. વોંધમાં રહેનાર મોહમદ રફીક કાસભાઇ લુહાર નામનો યુવાન ગામના બસ સ્ટેન્ડ સામે બે વર્ષથી વી.એસ. ડિજિટલ સ્ટુડિયો નામની દુકાન ચલાવે છે. અગાઉ તેમના મિત્ર થકી બાબરા અમરેલીના ભરત રતા રાતડિયા સાથે ઓળખાણ થઇ હતી. 2024માં ફરિયાદીએ આ શખ્સ ભરતને પ્રાગપરનો ઓર્ડર આપ્યો હતો. જેમાં તેણે કામ બગાડી નાખતાં પાર્ટીએ પૈસા ન આપતાં ફરિયાદીએ આ શખ્સને 30 હજાર આપ્યા નહોતા અને કામ સુધારી આપવા કહ્યું હતું, છતાં આ શખ્સ 30 હજારની માંગ કરતો હતો. ગત તા. 15-5ના તેને વરધીના રૂા. 20,000 મળ્યા હતા, જે ફરિયાદીએ દુકાનના કાઉન્ટરમાં પોતાના માણસોને આપવા રાખી મુકયા હતા. ફરિયાદીને પગમાં દુ:ખાવો  થતાં તે દવા લેવા ગયો હતો. દરમ્યાન આરોપી ભરતે ફોન કરી કયાં છે હું રૂપિયા લેવા આવ્યો છું તેમ કહેતાં ફરિયાદીએ થોડીવારમાં આવું છું તેમ કહ્યું હતું. બાદમાં યુવાન પોતાની દુકાને જતાં તાળાં તૂટેલાં હતાં અને દુકાનમાં તોડફોડ કરાઇ હોવાનું જણાવ્યું હતું તથા બે સીપીયુ, પાંચ હાર્ડ ડિસ્ક, 10 મેમરી કાર્ડ, રોકડ રૂા. 20,000 એમ કુલ્લે રૂા. 85,000ની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. બાજુમાં ઠંડાપીણાની દુકાન ચલાવતા કરીમ આમદ ઘાંચીએ ત્રણ શખ્સો આવ્યા હતા, જેમાં ભરત રાતડિયાએ પોતાની ઓળખ આપી આ બનાવને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ચોરીના આ બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd