• સોમવાર, 18 મે, 2026

સમાજ અને ગુજરાતી ભાષા માટે હેમરાજભાઈ દ્વારા ઘણું અને નોંધનીય કાર્ય હાથ ધરાયું

મુંબઈ, તા. 17 (અમારા પ્રતિનિધિ તરફથી) : બૃહદ મુંબઈ ગુજરાતી સમાજના સ્થાપક અને વર્તમાન પ્રમુખ હેમરાજભાઈ શાહના જીવન-કાર્યો, સંઘર્ષ અને સમર્પણને આવરી લેતી અંગ્રેજી ડોક્યુમેન્ટરી ફિલ્મ `હેમરાજ શાહ એ લિવિંગ લેજન્ડ'નો પ્રીમિયર શો જોગેશ્વરીમાં આવેલા નવનીત ગુજરાતી સમાજ ભવનમાં આમંત્રિતોની હાજરીમાં શનિવારે સાંજે યોજાયો હતો. આ અવસરે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયાએ જણાવ્યું કે, હેમરાજભાઈએ સમાજ અને ગુજરાતી ભાષા માટે ઘણું કામ કર્યું છે. હવે ગુજરાતી સમાજને વધુ કાર્યશીલ રાખવા સંસ્થાના પ્રેસિડેન્ટ તરીકે નવયુવાનને લાવવા અને હેમરાજભાઈ પોતે પ્રેસિડેન્ટ એમીરેટ તરીકે ચાલુ રહે એવું મારું સૂચન છે. હાર્દિકભાઈએ વધુમાં જણાવ્યું કે, અમારી કચ્છમિત્ર, ફૂલછાબ અને જન્મભૂમિની ચેનલ શરૂ કરી છે, તેના પર હેમરાજભાઈની ડોક્યુમેન્ટરી દર્શાવશું. ગુજરાતી તખતા અને ફિલ્મોના પીઢ કલાકાર દીપક ઘીવાલએ જણાવ્યું કે, હેમરાજભાઈ અને હું ઉમરમાં લગભગ સરખા છીએ છતાં એમની પાસે ઘણું છે તે હું શીખું છું. એમણે ભગીરથ કાર્યો કર્યાં છે. સંઘર્ષ કર્યો છે. રવીન્દ્રનાથ ટાગોરની પંક્તિ `એકલો જાને રે'ને દિલમાં રાખીને આ મુકામે પહોંચ્યા છે. એમના પર ઉપરવાળાની કૃપા છે એટલે જ એમનાથી શક્ય બન્યું છે. પીઢ અભિનેત્રી રાગિણીએ જણાવ્યું કે, હેમરાજભાઈ જીવનમાં અનેક મુસીબતોમાંથી પસાર થયા છે. મજબૂત મનોબળનાં કારણે જ તેઓ ટકી રહ્યા છે. તેઓ આદરણીય તો છે જ એ સાથે વંદનીય છે. પ્રતિસાદમાં હેમરાજભાઈ શાહે જણાવ્યું કે, મારી નવલકથા કચ્છમિત્રમાં હપ્તાવાર પ્રગટ કરી એ માટે હાર્દિકભાઈ મામણિયાનો ખાસ આભાર માનું છું. હું પણ દૈનિક અખબાર `કચ્છશક્તિ' પ્રગટ કરતો. માત્ર 20 પૈસામાં આપતો, જાહેર જીવનનાં કાર્યો દરમ્યાન દેશના વડાપ્રધાન રાજીવ ગાંધી અને લાલબહાદુર શાત્રીને રૂબરૂ મળ્યો હતો. ગુજરાતી સમાજના મેનેજિંગ ટ્રસ્ટી ડો. નાગજીભાઈ રીટાએ સ્વાગત કરતાં દુનિયાભરમાં ગુજરાતીઓએ નામના મેળવી છે એ ગૌરવ લેવાની વાત છે એમ જણાવ્યું હતું. હેમરાજભાઈ 86 વર્ષની વયે સુપરમેન જેવા છે. 38 વર્ષની વયે તંત્રી થયા. ગુજરાતી ભાષા અને સમાજને તેમણે કેટલુંયે પ્રદાન કર્યું છે. હેમરાજભાઈની ડોક્યુમેન્ટરી બનાવનારા મનીષા શર્માએ જણાવ્યું કે, મારા માટે ફિલ્મ બનાવવાનું કામ ખૂબ મુશ્કેલ હતું. મારી સામે તો 86 વર્ષની ગાથા હતી. એમણે મને 1000 પેપર કટિંગ આપ્યા હતા. આટલું બધું અડધા કલાકની ફિલ્મમાં કેવી રીતે સમાવવું? એટલે ઘણું રહી જાય છે એવું મને લાગતું હતું છતાં કોશિશ કરી છે. આભારવિધિ કરતાં સંસ્થાના મહામંત્રી રાજેશભાઈ દોશીએ જણાવ્યું કે, 40 વર્ષથી હું હેમરાજભાઈ સાથે કામ કરું છું. સંસ્થામાં આયાત-નિકાસના  ફ્રી વર્ગ ચાલે છે. ગુજરાતી ભાષા શીખવવા માટે કલાસ ચાલે છે. ચીમનભાઈ મોતા, લલિતભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd