અમદાવાદ,તા. 17 (અમારા પ્રતિનિધિ તરફથી)
: ગુજરાતમાં આમ તો, 1 જૂનથી જ્ઞાતિ
આધારિત વસ્તી ગણતરીનો પ્રારંભ થવાનો છે. પરંતુ આજે 17 મેથીથી વસ્તી ગણતરીનો ઓનલાઈન તબક્કો શરૂ થઈ રહ્યો છે, જેમા નાગરિકોએ
જાતે જ પોર્ટલ પર માહિતી ભરી શકશે. આજથી ગુજરાત, જમ્મુ - કાશ્મીર, લદ્દાખ અને પાડિંચેરીમાં
સ્વગણના શરૂ થઈ છે. પહેલીવાર આ પ્રયાસ છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર આજથી શરૂ થયેલી
સ્વ ગણતરીનો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. તા. 31-05-2026 સુધીના નિર્ધારિત 15 દિવસમાં લોકો પોતાની જરૂરી
વિગતો જાતે ઓનલાઇન ભરીને આ પ્રક્રિયામાં સહભાગી થઈ શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે
પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઈન ભરીને સ્વ-વસ્તી ગણતરીની ઔપચારિક
શરૂઆત કરાવી હતી. તેમણે રાજ્યના નાગરિકોને પણ આ રાષ્ટ્રીય સ્તરે મહત્ત્વની કવાયતમાં
સક્રિયપણે ભાગ લઈને સશક્ત, સમાવિષ્ટ અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા પણ અનુરોધ
કર્યો હતો. આ વખતે વસ્તી ગણતરી-2027 સંપૂર્ણપણે
ડિજિટલ મોડથી પોર્ટલ અને મોબાઇલ આધારિત કરવામાં આવી રહી છે. સ્વ-ગણતરીની આ પહેલ નાગરિકોને
સરળ, સુરક્ષિત અને અનુકૂળ ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે છે તેના થકી નાગરિકો ગમે ત્યાંથી
પોતાની માહિતી ઘરેબેઠા ઓનલાઇન સબમિટ કરી શકે છે. પોર્ટલમાં નોંધવામા આવનાર માહિતી કાયદા
મુજબ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. તેનો ઉપયોગ માત્ર આંકડાકીય અને વિકાસલક્ષી હેતુઓ
માટે જ કરવામાં આવશે. કેટલાક લોકો જેઓ નોકરી ઉપર હોય છે, પોતાના ઘરથી દૂર રહેતા હોય
છે, તેઓ જાત જ પોતાના સમય દરમિયાન પોતાની માહિતી ભરી શકે છે. નાગરિકો https://se.census.gov.in/ પરથી જરૂરી માર્ગદર્શન દ્વારા તેમની સ્વ-ગણતરી પૂર્ણ કરી શકે
છે તેમજ સક્રિય નાગરિક ભાગીદારીથી પોતાની વિગતો ઓનલાઈન ભરીને સમયસર અને સચોટ માહિતી
પણ આપી શકે છે. વસ્તી ગણતરી-2027માં પ્રથમ
વખત સ્વ-ગણતરી પદ્ધતિ રજૂ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં આ ગણતરી 17થી 31 મે, 2026 દરમિયાન
વેબ પોર્ટલ પર નાગરિકો પોતાની વિગતો પૂરી પાડીને સ્વ-ગણતરીમાં ભાગ લઈ શકશે. ત્યારબાદ
1થી 30 જૂન, 2026 દરમિયાન
1 લાખથી વધુ વસ્તી ગણતરી કાર્યકર્તાઓ દ્વારા
હાઉસ લિસ્ટીંગ ઓપરેશન્સ હાથ ધરવામાં આવશે.