રશિયા પર યુક્રેને 500થી વધુ ડ્રોન છોડયાં : એક
ભારતીય સહિત ચારનાં મૃત્યુ, ઘણાને ઈજા : મોસ્કો, તા. 17 : યુક્રેને રશિયા ઉપર સૌથી મોટા ડ્રોન હુમલાને અંજામ આપ્યો છે.
રાતભર ચાલેલા આ હુમલામાં મોસ્કો સહિત રશિયાના ઘણા વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા
હતા. આ હુમલાઓમાં એક ભારતીય સહિત ચાર લોકોનાં મોત થયાં હતાં, તો અન્ય ત્રણ ભારતીય ઘાલય
થયા હતા. ભારતીય દૂતાવાસે એક ભારતીયનું મોત થયું હોવાના સમાચારને સમર્થન આપ્યું હતું.
રૂસમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓએ હોસ્પિટલમાં જઇને ઘાયલોની તબિયત જાણી હતી. યુક્રેનના
ઘાતક હુમલાઓમાં કુલ 12 લોકો ઘાયલ
થયા હતા. યુક્રેને મોસ્કોમાં સૈન્ય અને ઇંધણના ચાવીરૂપ સ્થળોને નિશાન બનાવ્યાં હતાં,
જેમાં સેના માટે સેમિકન્ડક્ટ બનાવતા એંગસ્ટ્રેમ ખાતે ઓઇલ રિફાઇનરી, સોલનેયનોગોસ્મે
સ્ટેશન સામેલ છે. રશિયાના અધિકારીઓ અનુસાર આ હુમલામાં 500થી વધારે ડ્રોનનો ઉપયોગ કરવામાં
આવ્યો હતો. અધિકારીઓએ હુમલાને મોસ્કોમાં એક વર્ષમાં થયેલો સૌથી મોટો હુમલો ગણાવ્યો
હતો. આ હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ઘણાને ઈજા પહોંચી હતી.
આ સાથે અલગ-અલગ રહેણાક ઈમારતો અને અન્ય સુવિધાઓને નુકસાન પહોંચ્યું હતું. રશિયાના રક્ષા
મંત્રાલયે માહિતી આપી હતી કે, રાતભર ચાલેલા હુમલામાં હવાઈ સુરક્ષા સિસ્ટમે 556 યુક્રેની ડ્રોન તોડી પાડયાં
હતાં. આ દરમિયાન મોસ્કો અને પશ્ચિમી રશિયામાંથી વિસ્ફોટના અવાજ આવ્યા હતા. સ્થાનિક
અધિકારીઓ અનુસાર હુમલામાં ત્રણ લોકોનાં મૃત્યુ મોસ્કોમાં અને એકનું મૃત્યુ બેલગોરોદ
ક્ષેત્રમાં થયું હતું. - યુએઇના અણુ ઊર્જા પ્લાન્ટ પર હુમલો : વીજળી જનરેટરમાં આગ, કોઇ
મોટું નુકસાન નહીં : વોશિંગ્ટન, તા. 17 : ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધથી દુનિયાભરમાં ઉચાટ છે, ત્યારે
આ અજંપો વધારનારા સમાચારમાં યુએઇના પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન હુમલો કરાયો હતો. કોઇ દેશ
કે સંગઠને જવાબદારી નહોતી લીધી, પરંતુ હુમલો ઇરાને જ કર્યો હોવાની આશંકા છે. ડ્રોન
હુમલાથી એક વીજળી જનરેટરમાં આગ લાગી ગઇ હતી. અબુધાબીમાં અધિકારીઓએ કહ્યું હતું કે,
અલ ઘફરા વિસ્તારમાં બરાકાહ પરમાણુ ઊર્જા પ્લાન્ટ બહાર હુમલો થયો હતો. પરમાણુ પ્લાન્ટની
સુરક્ષા અને રેડિયેશન સ્તર પર કોઇ જ અસર નથી પડી. ભલે કોઇ નુકસાન નથી થયું, પરંતુ દેશના પરમાણુ ઊર્જા કેન્દ્ર
પર પહેલીવાર આ મોટા હુમલાએ ચિંતા જરૂર જગાવી હતી. ઇરાન છેલ્લા કેટલાક દિવસથી સતત યુએઇને
ધમકી આપતું રહ્યું છે. યુદ્ધ વખત યુએઇમાં ઇઝરાયલની હવાઇ સુરક્ષા પ્રણાલી અને અમેરિકી
સૈનિકો તૈનાત હતા. જ્યાં હુમલો થયો તે પ્લાન્ટ યુએઇની 25 ટકા વીજળી પેદા કરી આપે છે.આ
ઘટના એવા સમયે આવી છે જ્યારે અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે પ્રાદેશિક તાણ વધી છે. તાજેતરનાં
અઠવાડિયાંમાં ઈરાન સાથે જોડાયેલા ડ્રોન અને મિસાઈલ હુમલાઓએ ફુજૈરાહ તેલ ક્ષેત્ર, ટેન્કરો
અને અન્ય ઊર્જા સુવિધાઓને નિશાન બનાવી છે. બરાકાહ પ્લાન્ટ પરનો હુમલો પ્રાદેશિક સુરક્ષા
માટે એક નવો ખતરો ઊભો કરી શકે છે, કારણ કે પરમાણુ સુવિધાઓ પરનો કોઈપણ હુમલો મોટા પાયે
પર્યાવરણીય અને માનવતાવાદી કટોકટીનું કારણ બની શકે છે. યુએઇ હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ
અગાઉના ઘણા હુમલાઓને સફળતાપૂર્વક અટકાવ્યા છે, પરંતુ આ વખતે ડ્રોન પ્લાન્ટના બાહ્ય
ભાગ સુધી પહોંચવામાં સફળ રહ્યું. યુએઇ સરકારે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને વધુ સુરક્ષા
મજબૂતીકરણનો આદેશ આપ્યો છે. હજુ સુધી કોઈ જૂથ કે દેશે આ હુમલાની જવાબદારી સ્વીકારી
નથી. નિષ્ણાતો માને છે કે, આ હુમલો ઈરાન સમર્થિત જૂથો દ્વારા કરવામાં આવ્યો હોઈ શકે
છે, જે યુએસ-ઈરાન સંઘર્ષનો ભાગ છે. બરાકાહ પ્લાન્ટ આરબ વિશ્વનો પ્રથમ મોટો પરમાણુ પાવર
પ્લાન્ટ છે અને યુએઈના સ્વચ્છ ઊર્જા તરફ સંક્રમણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.