મસ્તીચક (બિહાર), તા. 17 : અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ
અદાણીએ આજે `સેવા હી સાધના હૈ'ની તેમની પરિકલ્પના
પર આધારિત રૂા. 150 કરોડના
વિરાટ વિઝન કેરની પહેલનો પટનાથી લગભગ 70 કિલોમીટર દૂર મસ્તીચકમાં
શિલાન્યાસ સાથે આરંભ કરાવ્યો હતો. આ પહેલના ભાગરૂપે દર વર્ષે 3.3 લાખ આંખની શસ્ત્રક્રિયાની ક્ષમતા ધરાવતી વિશ્વની સૌથી મોટી ગ્રામીણ આંખની
સંભાળ ઇકોસિસ્ટમ બનાવવામાં આવશે અને દર વર્ષે 1,000 આંખના આરોગ્ય વ્યાવસાયિકોને તાલીમ આપવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ
હિન્દી હાર્ટલેન્ડમાં વંચિત સમુદાયોને ગૌરવ, આશા અને દૃષ્ટિ લાવતી વેળા આંખની સસ્તી
સારવારની ગ્રામ્ય કક્ષાએ સવલત અને આંખની સંભાળ-કૌશલ્યને મજબૂત બનાવવાનો છે. અખંડ જ્યોતિ
ફાઉન્ડેશનના ગ્રામ્ય જીવનમાં પરિવર્તન લાવતાં કાર્યને બિહારથી આગળ અને ભારતભરમાં સ્થાયી
વંચિત પ્રદેશોમાં લઈ જવા માટે ગૌતમ અદાણીએ
રૂા. 500 કરોડ સહિત આ મિશનના રોજબરોજનાં
કામકાજના ખર્ચ મળી કુલ રૂા. 700 કરોડના
વ્યક્તિગત સંકલ્પને આવરી લેતા દેશભરમાં લાંબાગાળાના માનવતાવાદી અને સામુદાયિક આરોગ્ય
સંભાળ મિશનને વિસ્તૃત કરવા માટે `અદાણી અખંડ
જ્યોતિ ફાઉન્ડેશન' ની સ્થાપનાની પણ જાહેરાત કરી હતી. ગૌતમ અદાણીએ એક્સ પર એક પોસ્ટમાં
જણાવ્યું હતું કે `સેવા હી
સાધના હૈ' એ એક માત્ર સૂત્ર નથી, પરંતુ કરુણાભાવને સમાજ માટે સ્થાયી સંસ્થાઓમાં રૂપાંતરિત
કરતી એક માર્ગદર્શક ફિલસૂફી છે. દૃષ્ટિ પુન: સ્થાપિત કરવી એ ફક્ત તબીબી પ્રક્રિયા નથી,
પરંતુ માનવ જીવનમાં આશા, આત્મવિશ્વાસ અને ગૌરવને પરત લાવવા વિશે છે, તેમણે બિહારને
એવી ભૂમિ ગણાવતા લખ્યું છે કે, આ રાજ્યએ રાષ્ટ્રને નવી ચેતના અને ઐતિહાસિક દિશા આપી
છે, તેમણે ઉમેર્યું છે કે, આ હેતુથી નવું રચાયેલું `અદાણી અખંડ જ્યોતિ ફાઉન્ડેશન' બિહારમાં જન્મેલી સેવાની સુવાસને
ભારતભરમાં વસતા વંચિત સમુદાયો સુધી લઈ જવાનો પ્રયાસ કરશે. અદાણી ગ્રુપની સામાજિક કલ્યાણ અને વિકાસ
પાંખ અદાણી ફાઉન્ડેશન બિહાર સ્થિત અગ્રણી ગ્રામીણ આંખ સંભાળ સંસ્થા અખંડ જ્યોતિ ફાઉન્ડેશન
સાથે સહયોગમાં મસ્તીચકમાં અદાણી સેન્ટર ફોર આઈ (એસીઈ) અને અદાણી ટ્રાનિંગ ઇન ઓપ્થેલ્મિક
મેડિસિન (એટીઓએમ)ને નાણાકીય સહયોગ પૂરો પાડશે. પ્રતીકરૂપે એસીઈના બેનર હેઠળ 10 દર્દીઓની ક્ષમતાની પરિવહન
બસોના કાફલાને ઔપચારિક રીતે લીલી ઝંડી આપવામાં આવી હતી. ગૌતમ અદાણી સાથે અદાણી ફાઉન્ડેશનના
અધ્યક્ષા ડો. પ્રીતિ અદાણી, અખંડ જ્યોતિ આંખ હોસ્પિટલના સહ-સ્થાપક, સી.ઈ.ઓ. અને એક્ઝિક્યુટિવ
ટ્રસ્ટી મૃત્યુંજય તિવારી જોડાયા હતા. શ્રી તિવારીએ શ્રી ગૌતમ અદાણીનો આભાર વ્યક્ત
કર્યો હતો. વધુમાં અદાણી ગ્રુપના નિર્માણાધીન 2,400 મેગાવોટના અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ નજીક બિહારના
ભાગલપુર જિલ્લામાં પીરપૈંટીમાં 200 પથારીની
ક્ષમતાની હોસ્પિટલનું નિર્માણ કરવાની યોજનાની અદાણી ફાઉન્ડેશને જાહેરાત કરી હતી. રાષ્ટ્ર
નિર્માણ કરુણા, સેવા અને લાંબા ગાળાના સામાજિક રોકાણ પર આધારિત હોવું જોઈએ એવા શ્રી
ગૌતમ અદાણીના વિશ્વાસને બિહારમાં આરંભાયેલી પહેલ ઉજાગર કરે છે. ગૌતમ અદાણીના 60મા જન્મદિન પ્રસંગે 2022માં અદાણી પરિવારે સ્વાસ્થ્ય
સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે રૂા. 60,000 કરોડ ફાળવવા સંકલ્પ જાહેર કર્યો હતો.