ચૂંટણી વખતે વિરોધીઓ-ડાબેરી
પક્ષો તો ઠીક પોતાની પાર્ટીના જ નેતાઓએ પીઠ પાછળ જેની ઠેકડી ઉડાડી હોય એવા કેરલમ્ના
વિરોધી પક્ષ નેતા વી.ડી. સતીશનને મુખ્યપ્રધાન બનાવવાનો કોંગ્રેસનો નિર્ણય દેર આયે મગર
દુરસ્ત આયે એવો છે. વિધાનસભામાં યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ)ને સૌથી ઓછી બેઠકો
મળી, તો હું રાજકારણ છોડી દઈશ, એવો સતીશનનો વિશ્વાસ મશ્કરીનું કારણ બન્યું હોવા છતાં
140માંથી 102 બેઠક ગઠબંધનને અપાવવામાં
તેમનું યોગદાન મોટું હતું. કોંગ્રેસ મોવડીમંડળે મુખ્યપ્રધાન પદનો નિર્ણય લેવામાં દસ
દિવસ કાઢી નાખ્યા અને સ્થાનિક નેતાની જગ્યાએ દિલ્હીમાં ગાંધી પરિવારની નિકટની વ્યક્તિને
મુખ્યપ્રધાન બનાવવાની હિલચાલ પણ ચાલી. દેશમાં માંડ ચાર રાજ્યમાં (કર્ણાટક, તેલંગાણા,
હિમાચલ અને હવે કેરલમ્) સરકાર ધરાવતી કોંગ્રેસને આખરે કાર્યકર્તાઓની માંગ અને ગઠબંધનમાંના
સાથી પક્ષોના આગ્રહ સામે ઝૂકવું પડયું હોય એવું જણાય છે. કેરલમ્માં કોંગ્રેસને 102માંથી 63 બેઠક મળી છે, પણ ચૂંટણી પહેલાંના
મોરચા યુડીએફે રાજ્યમાં સદી કરી અને આમ બે તૃતીયાંશ કરતાં વધુ બહુમતી હોવા છતાં ચોથી
મેએ આવેલાં ચૂંટણી પરિણામ બાદ દેશના સૌથી જૂના રાજકીય પક્ષે અનેક ચર્ચા-વિચારણાઓ બાદ
સતીશનને નાયિક્કુમ એટલે કે, કેરલમ્ના નાયક બનાવ્યા છે. એમ તો રાહુલ ગાંધીના નિકટવર્તી
અને દિલ્હીના દરબારી કે.સી. વેણુગોપાલનું નામ પણ સીએમની રેસમાં આગળ હતું. મક્કમ પીઠબળ
ધરાવતા સ્થાનિક લોકપ્રિય નેતાને મુખ્યપ્રધાન પદ ન આપવું, કેમ કે, તે વધુ કદાવર થઈ જશે
તો પક્ષના મોવડીઓને નહીં ગાંઠે એવી કોંગ્રેસની વર્ષો જૂની ગણતરી રહી છે, પણ સતીશનના
કિસ્સામાં તેમને જૂની રૂઢિ તોડવી પડી છે, કેમ કે, એક તો સાથી પક્ષ મુસ્લિમ લીગે (જેની
બાવીસ બેઠકો છે) સતીશનનાં નામને ટેકો આપ્યો હતો. બીજું, સ્થાનિક સ્તરે પણ મુખ્યપ્રધાન
દિલ્હીનો નહીં એવી ભાવના હતી, જે કમને પણ સ્વીકારવાની ફરજ પડી છે. એમ તો રેસમાં અન્ય
નામ પણ હતાં, પણ પસંદગીનો કળશ સતીશન પર ઢોળાયો. સતીશન સામે પડકારો અનેક છે. એક તો કેરલમ્ની
આર્થિક વૃદ્ધિનો વેગ દક્ષિણનાં રાજ્યોમાં સૌથી ઓછો છે, આ ઉપરાંત, યુવાનોમાં બેરોજગારીનું
ઊંચું પ્રમાણ, આ ઉપરાંત, ચૂંટણીમાં યુડીએફે આપેલાં વચનો પૂરાં કરવાં માટે સરકારી તિજોરી
પર મોટી તાણ આવશે, એ માટે નાણાં ક્યાંથી ઊભાં કરવાં એ પ્રશ્ન પણ છે. રાજકીય પડકાર ડાબેરીઓ
અને ભાજપ એમ બેતરફી રહેશે. રાજ્ય વિધાનસભામાં ભાજપે પહેલીવાર ત્રણ બેઠક અને 11 ટકાથી વધુ મત હિસ્સો મેળવ્યો
છે, તો, મુસ્લિમ લીગના ટેકાથી મુખ્યપ્રધાન બનેલા સતીશન માટે રાજ્યમાં ધાર્મિક સંતુલન
જાળવવાનો પડકાર પણ છે. હવે, આ નવા કેરલમ્ મોડેલને સફળતા મળે એ કોંગ્રેસનાં ભાવિ માટે
પણ મહત્ત્વની બાબત ઠરશે.