• બુધવાર, 22 મે, 2024

સૌરાષ્ટ્ર-ઉ. ગુજરાતમાં ધુંઆધાર : વિસાવદરમાં 12 ઈંચ

અમદાવાદ, તા. 18 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં અત્યારે મેઘરાજાની ચારેય બાજુ ધમાકેદાર બાટિંગ થઇ રહી છે, ઉત્તર ગુજરાતથી લઇને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વહેલી સવારથી જ રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 238 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આભ ફાટ્યું છે. વિસાવદરમાં સૌથી વધુ 12 ઈંચથી વધુ વરસાદ નોંધાતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. આજે રાજ્યના વિસાવદર ઉપરાંત 85 તાલુકામાં 1થી 7.5 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જેમાં 38 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ, 20 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ, 12 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે ત્યારે આશરે 12 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવુ પડ્યુ છે. તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે તો અમદાવાદ, ગાંધીનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢના વિસાવદરમાં 12 ઈંચથી વધુ વરસાદ નોંધાતાં પોપટડી નદી બે કાંઠે વહેતી થઈ છે. વિસાવદર પંથકમાં વરસાદથી ઘેડ પંથકની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કચ્છમાં પણ 19 અને 20 તારીખે ભારેથી અતિભારે વરસાદ થશે. રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, મુંદરા અને જખૌમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. ભુજ, નખત્રાણા અને માંડવીમાં ભારે વરસાદની શક્યતા છે. મહત્ત્વનું છે કે, આગામી 21મી તારીખથી વરસાદી સિસ્ટમ નબળી પડશે. સોરઠની સૌથી વિશાળ ઓઝત નદી બે કાંઠે વહી રહી છે. ઓઝત નદીમાં ભારે પૂર આવ્યું છે. લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. જ્યારે પાટણમાં 7 ઇંચ, તો બીજી બાજુ બનાસકાંઠના ભાભરમાં પણ 6 ઇંચ જેટલો વરસાદ પડતાં પાણી ભરાઇ ગયાં હતાં. રાધનપુર હાઇવે પર પાણી ફરી વળ્યાં હોવાના સમાચાર છે. આ લખાય છે ત્યારે પણ મહેસાણામાં વરસાદ ચાલુ જ છે. મહેસાણાના બેચરાજીમાં આશરે 4.5 ઇંચ, મહેસાણા અને બનાસકાંઠાના દિયોદર, અમરેલીના બગસરા, જૂનાગઢ, બાસકાંઠાના ડિસામાં આશરે 4 ઇંચ વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં વરસાદી આગાહીને લઇને હવામાન નિષ્ણાતોના મતે, હમણાં ગુજરાતને વરસાદથી રાહત નહીં મળી શકે, ગુજરાતમાં હજુ પણ વરસાદ વરસવાનું ચાલુ રહેશે. આવતીકાલે 19 અને 20 તારીખે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પડવાની શક્યતા છે. સાબરમતી નદીમાં પાણીની આવક વધવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. ધરોઈ ડેમમાં પાણીની સપાટીમાં વધારો થવાની શક્યતા છે. એટલુ જ નહીં જામનગરમાં 19 અને 20માં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રામાં પણ ભારે વરસાદની શક્યતા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang