• શનિવાર, 27 જુલાઈ, 2024

નેહરુ, ઇંદિરા, રાજીવ, અટલજીએ સંસદ સમૃદ્ધ કરી : મોદી

આનંદ કે વ્યાસ તરફથી

 નવી દિલ્હી, તા. 18 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જૂની સંસદમાં અંતિમ ભાષણ કરતા પૂર્વ વડાપ્રધાનો પંડિત જવાહરલાલ નેહરુ, ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીની પ્રશંસા કરી હતી. આ સંસદે કાશ્મીરમાંથી કલમ 370 હટતી જોઇ, જીએસટી, વન રેન્ક વન પેન્શન, ગરીબો માટે 10 ટકા અનામત પણ આ સંસદે જ આપ્યા, તેવું મોદીએ જણાવ્યું હતું. સંસદનું સત્ર નાનું પરંતુ ઐતિહાસિક બની રહેશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને 50 મિનિટના ભાષણમાં કહ્યું હતું કે, આ એ સંસદ છે, જ્યાં પંડિત નેહરુના સ્ટ્રોક ઓફ મિડનાઇટની ગુંજ સૌને પ્રેરિત કરે છે. ઇંદિરાજીના નેતૃત્વમાં બાંગલાદેશનો મુક્તિ સંગ્રામ પણ આ સંસદે જોયો. અનેક ઐતિહાસિક પ્રસંગોની સાક્ષી રહી છે. એ ભારતના લોકતંત્રની તાકાત છે કે, રેલવેના પ્લેટફોર્મ પર ગુજારો કરનાર એક બાળક સંસદ સુધી પહોંચે છે, તેવું કહેતા મોદીએ ઉમેર્યું હતું કે, મેં પહેલીવાર એક સાંસદ તરીકે પ્રવેશ કરવાથી પહેલાં સંસદ ભવને માથું ટેકવી નમન કર્યા હતા. આ સંસદમાંથી વિદાય લેવી ભાવુક  પળ છે. પરિવાર જૂનું ઘર છોડે ત્યારે ઘણી યાદો સાથે લઇ જાય છે. આ સંસદ છોડતી વખતે  પણ મન એવી જ ભાવનાઓથી ભરેલું છે, તેવું તેમણે કહ્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે, નેહરુ, શાત્રી, અટલજી, મનમોહનસિંહના પરિશ્રમના ગુણગાન ગાવાનો આ અવસર છે. સરદાર પટેલ, લોહિયા, ચંદ્રશેખર, અડવાણી જેવા નેતાઓએ આ સંસદને સમૃદ્ધ કરી છે. પી. વી. નરસિંહરાવનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમના કાર્યક્રાળમાં ઉદારીકરણના નિર્ણય લેવાયા. વડાપ્રધાને વિપક્ષ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, ઘણી વાતો એવી હતી કે, સંસદમાં સૌની તાળીઓની હક્કદાર હતી, પરંતુ તેમાં રાજનીતિ આગળ આવી ગઇ. બાબાસાહેબને યાદ કરતા મોદીએ જણાવ્યું હતું કે, નેહરુજીની પ્રારંભિક પ્રધાન પરિષદના પ્રધાન રહેલા આંબેડકરજીએ દેશને મતદારનીતિ આપી. અત્યાર સુધીમાં 7500થી વધુ પ્રતિનિધિ સંસદમાં આવી ચૂકયા છે. શરૂઆતમાં સંખ્યા ઓછી રહ્યા બાદ લગભગ 600 મહિલા સભ્ય પણ સંસદમાં આવી ચૂકયાં છે. વડાપ્રધાને કહ્યંy હતું કે, ઇંદ્રજીત ગુપ્તાજી 43 વર્ષ સુધી આ સંસદના સાક્ષી રહ્યા. એ જ રીતે શફીકુર્રહમાન 93 વર્ષની વયે પણ સંસદમાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ સત્રની એક ખાસ વાત એ છે કે દેશની સ્વતંત્રતા બાદ 75 વર્ષની યાત્રા હવે નવા સંસદ ભવનમાં નવેસરથી શરૂ થઈ રહી છે. આખા દેશમાં ઉત્સાહનો માહોલ અને નવો આત્મવિશ્વાસ જોવા મળે છે. સત્રનો સમયગાળો ભલે નાનો હોય, પરંતુ સમયની દૃષ્ટિથી એ મહત્ત્વપૂર્ણ છે, ઐતિહાસિક નિર્ણયોનું આ સત્ર છે. નવી જગ્યાએથી નવી ઊર્જા, નવો વિશ્વાસ આવે છે. આપણું લક્ષ્ય 2047 સુધીમાં દેશને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે. વડાપ્રધાને લોકસભાને સંબોધિત કરતાં દેશની 75 વર્ષની સંસદીય યાત્રા યાદ કરતાં કહ્યું કે નવા સદનમાં જવા પહેલાં પ્રેરક ઈતિહાસની મહત્ત્વપૂર્ણ પળોને યાદ કરીને આગળ વધવાનો આ અવસર છે. આપણે હવે આ ઐતિહાસિક ભવનમાંથી વિદાય લઈ રહ્યા છીએ. સ્વતંત્રતા પહેલાં આ ભવન ઈમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ હતું. આઝાદી પછી એને સંસદ ભવન તરીકેની ઓળખ મળી. આ ઈમારતના નિર્માણનો નિર્ણય વિદેશી શાસકોએ લીધો હતો, પરંતુ આપણે એ વાત ક્યારેય ભૂલવી નહીં જોઈએ કે આ ભવનનાં નિર્માણમાં પરિશ્રમ, પરસેવો અને પૈસા મારા દેશવાસીઓએ લગાડયા હતા. આપણે ભલે નવા ભવનમાં આવ્યા, પરંતુ આ જૂનું સંસદ ભવન આવનારી પેઢીઓને હંમેશાં પ્રેરણા આપતું રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang