• મંગળવાર, 25 જૂન, 2024

આજથી સંસદનું વિશેષ સત્ર

નવી દિલ્હી, તા. 17 : કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલું સંસદનું વિશેષ સત્ર આવતીકાલ 18 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ સત્રની ખાસ વાત એ રહેશે કે તેની શરૂઆત જૂના સંસદ ભવનમાં થશે અને 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે નવા સંસદ ભવન ખાતે શિફ્ટ કરવામાં આવશે. આ માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે.  એ પહેલા આજે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાનાં સભાપતિ જગદીપ ધનખડે નવા સંસદ ભવન ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ વિશેષ સત્રનો એજન્ડા સરકારે જાહેર કર્યો હોવા છતાં કામકાજનાં દિવસો દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી કોઈ આશ્ચર્યજનક પહેલ કરવામાં આવે તેવી અટકળો વચ્ચે આજે આ  પાંચ દિવસની કામગીરી સુચારુ ઢબે ચાલી શકે  તે માટે સરકારે સત્રની પૂર્વ સાંજે સર્વપક્ષીય બેઠક પણ બોલાવી હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વિશેષ સત્રમાં કોઈ ચોંકાવનારી સરપ્રાઈઝ આપે છે કે નહીં તેનાં ઉપર બધાની નજર મંડાયેલી છે. આ દરમિયાન એવી માહિતી પણ સામે આવી હતી કે સંસદના વિશેષ સત્ર દરમિયાન તમામ કેન્દ્રીય મંત્રીઓની ઓફિસ પણ નવી સંસદમાં શિફ્ટ કરવામાં આવશે. આ વિશેષ સત્ર માટે આપવામાં આવેલા ઔપચારિક એજન્ડામાં મુખ્ય વિષય સંવિધાન સભાથી શરૂ કરીને સંસદની 7પ વર્ષની યાત્રા ઉપર ખાસ ચર્ચાનો છે. આ ઉપરાંત મુખ્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિની પ્રક્રિયામાં ફેરફાર માટેનાં વિધેયકને પણ ચર્ચા માટે નોંધાવવામાં આવ્યું છે. આ સિવાય સરકારને સંસદની કામગીરીનાં એજન્ડામાં સામેલ ન હોય તેવા કાયદા કે વિષય રજૂ કરવાનો અધિકાર પણ છે. જેને પગલે મહિલા અનામત, સમાન નાગરિક સંહિતાથી લઈને અનેક મુદ્દે ચર્ચાનું બજાર ગરમ છે. આ ઉપરાંત પછાત જાતિ માટે અનામત અંગે રોહિણી આયોગનાં રિપોર્ટ ઉપર પણ કોઈ નિર્ણય થઈ શકે છજ્તો આવી જ રીતે જમ્મુ-કાશ્મીરનો પૂર્ણ રાજ્યનો દરજ્જો બહાલ કરવામાં આવે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત થઈ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કંઈ સરપ્રાઈઝ આપે છે કે નહીં તેનાં ઉપર સૌની મીટ મંડાયેલી છે. સામે પક્ષે વિપક્ષો પણ આ પાંચ દિવસનાં ટૂંકા સત્રમાં સરકારને ઘેરવા માટેની તક ઝડપવાનો પ્રયાસ કરશે. આમાં મણિપુરની હિંસાનો મુદ્દો ફરીથી ઉછળી શકે છે. તો ટીડીપી પોતાનાં નેતા ચંદ્રાબાબુનાયડુની ધરપકડનાં મુદ્દે હંગામો મચાવી શકે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang