નવી દિલ્હી, તા. 19 : સુપ્રીમ કોર્ટે
ગુરુવારે મફતના વચનોની લ્હાણી પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સરકારે રેવડીના સ્થાને રોજગાર આપવા પર ધ્યાન
કેન્દ્રિત કરવું જોઈએ. મફતનાં વચનોની લ્હાણી કરનાર રાજ્ય સરકારોને ફટકાર લગાવતાં સર્વોચ્ચ
અદાલતે જણાવ્યું હતું કે, સરકાર લોકોને સવારથી સાંજ સુધી મફત
ખાવાનું ગેસ અને વીજળી આપતી રહેશે, તો લોકો કામ શા માટે કરશે.
આમ થવાથી તો કામ કરવાની લોકોની આદત જ ખતમ થઈ જશે, તેવી ટકોર મુખ્ય
ન્યાયમૂર્તિ સૂર્યકાંતે કરી હતી. સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કહ્યું
હતું કે, જેઓ જરૂરતમંદ છે, તેવા ગરીબ વર્ગની
મદદ કરવી એ સમજાય છે, પરંતુ કોઈ પણ ફરક કર્યા વિના સૌ કોઈને મફત
સુવિધાઓ આપવી એ યોગ્ય નથી. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત, જસ્ટિસ
જોય માલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની ખંડપીઠે જણાવ્યું હતું કે, વધુ પડતાં રાજ્યોના ખજાના ખોટમાં છે તેમ છતાં વિકાસની અવગણના કરીને `મફત'ની ઘોષણાઓ કરી રહ્યા છે. દેશની યુવાપેઢી
જાત મહેનતથી કમાણી કરીને પોતાની આબરૂ અને આત્મસન્માન સાથે જીવી શકે, તે માટે સરકારોએ રેવડી નહીં, પરંતુ રોજગાર આપવાની દિશામાં
કામ કરવા જોઈએ, તેવું મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું હતું. બધું જ
મફતમાં મળી જશે તો લોકો કામ જ શા માટે કરશે, શું આપણે આવો દેશ
બનાવવા માગીએ છીએ, તેવા સવાલો સૂર્યકાંતે ઊઠાવ્યા હતા. અચાનક
ચૂંટણીની આસપાસ `મફત' યોજનાઓ શા માટે લોન્ચ કરાય છે. હવે સમય આવી ગયો છે કે, બધા જ નેતાઓ, રાજકીય પક્ષો આ મામલા પર ફરીથી વિચારે.
જો આપણે આવી રીતે જ ઉદારતા બતાવવા રહીએ છીએ, તો દેશના વિકાસમાં
વિઘ્નો ઊભા કરીશું એક સમતુલન હોવું જોઈએ. આવું ક્યાં સુધી ચાલશે. તેવું મુખ્ય ન્યાયમૂર્તિએ
નારાજગીભેર કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે સવાલ ઊઠાવ્યો હતો કે, વીજબિલ ચૂકવી નથી શકતા તેવા નબળા લોકો અને જે સદ્ધર છે, તેવા લોકો વચ્ચે ફરક કર્યા વિના સૌને મફત આપવું એ શું તુષ્ટિકરણની નીતિ છે.
મફત વીજળી, મફત ભોજન બાદ હવે સીધા રોકડ રૂપિયા ખાતામાં જમા થઈ
રહ્યા છે. સરકારી તિજોરીઓમાં આમેય ખાધના ખાડા પડી
ગયા છે, ત્યારે આમ મફત-મફત કરીને વિકાસ કેમ કરી શકાશે,
તેવો સવાલ સુપ્રીમે કર્યો હતો.
`મફત'
સુવિધાઓનો બોજ એટલી હદે વધી ગયો છે કે, આ બધા નિરર્થક
ખર્ચ વિકાસ માટે જરૂરી ભંડોળને ખતમ કરી રહ્યા છે. તેવું અદાલતે ચિંતાભર્યા સ્વરે જણાવ્યું
હતું. તમામ રાજકીય પક્ષોની સાથોસાથ સમાજચિંતકો, બુદ્ધિજીવી વર્ગ,
સમાજવિજ્ઞાનીઓ `મફત'વાળી સંસ્કૃતિ
બંધ કરવા પર મંથન કરે તે સમયની માંગ છે. તામિલનાડુ
વીજ વિતરણ નિગમ અને ભારત સરકાર વચ્ચેના કેસની સુનાવણીમાં સુપ્રીમે આવી વાત કરી હતી.