ભુજ, તા. 19 : શહેરના સંસ્કારનગરની બાજુના
અશ્વમેઘ સોસાયટીમાં એક મકાનના ચાલતા રિનોવેશનનાં કામ દરમ્યાન બે ચોર ઇસમે ઘરના દરવાજા
તોડી ટી.વી, ગિઝર સહિત બાંધકામના સામાન
અને સાધનો એમ કુલ્લે રૂા. 1.90 લાખના મુદ્દામાલની તસ્કરી કરી હતી. જો કે એ-ડિવિઝન પોલીસે ફરિયાદના
ગણતરીના કલાકોમાં જ ચોરીમાં ગયેલો મુદ્દામાલ હસ્તગત કરી બે ચોરને ઝડપી આ ચોરીનો ભેદ
ઉકેલી લીધો છે. આ ચોરી અંગે ગઇકાલે એ-ડિવિઝન પોલીસ મથકે ફોટડી રહેતા કન્સ્ટ્રક્શનના
વ્યવસાયી એવા હરજીભાઇ ભુડિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ છેલ્લા એકાદ મહિનાથી ભુજની અશ્વમેઘ
સોસાયટીમાં તેમના કાકાઇ ભાઇ સુરેશભાઇ ભુડિયાનાં મકાનમાં રિનોવેશનનું કન્સ્ટ્રક્શનનું
કામ કરે છે. સુરેશભાઇ હાલે લંડન ગયા છે અને તેમનાં મકાનની ચાવી ફરિયાદી પાસે છે. 16/2ના બપોરે કામ કર્યા બાદ મકાનને
તાળું મારી ચાલ્યા ગયા હતા અને બીજા દિવસે સવારે આવતાં મકાનનો દરવાજો તૂટેલો હતો અને
ઘરમાંથી 48 ઇંચનું ટી.વી., ગિઝર તથા બાંધકામના વિવિધ મશીન-સાધનો અને રસોડાનો
સરસામાન તથા નવા સાત નકૂચા, મોટા નળ, ફૂવારા,
પાઇપ સહિત અંદાજે રૂા. 1,90,500ના મુદ્દામાલની અજાણ્યા ચોર ઇસમે ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી
હતી. આ ફરિયદાના આધારે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શનનાં પગલે એ-ડિવિઝનના
પી.આઇ. એ. એમ. પટેલે તેમના સ્ટાફને છાનબીન કરવા જણાવતાં ટીમે નેત્રમના સીસીટીવી ફૂટેજ
ચકાસી તેમજ માનવીય સંદર્ભોના આધારે આ ચોરીને અંજામ આપનારા મહેશ અરવિંદ દેવીપૂજક (રહે.
રામનગરી-ભુજ) અને કિશન ખીમજી કોળી (દેવીપૂજક) (રહે. મઢુલી પાસે-માધાપર)ની અટક કરી ચોરીમાં
ગયેલો મુદ્દામાલ હસ્તગત કરીને ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. આ કામગીરીમાં પી.આઇ. શ્રી
પટેલનાં માર્ગદર્શન હેઠળ હે.કો. ભરતજી ઠાકોર, રાજુભા જાડેજા, યુવરાજસિંહ
જાડેજા, લાખાભાઇ બાંભવા, કૈલાશભાઇ ચૌધરી,
દશરથભાઇ ચૌધરી અને મામદભાઇ કુંભાર જોડાયા હતા.