નવી દિલ્હી, તા. 19 : દુનિયાના
સૌથી મોટાં એઆઇ શિખર સંમેલન `ઈન્ડિયા એઆઇ
ઇમ્પેકટ સમીટ'ના ચોથા દિવસે ગુરુવારે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, એઆઇનો યોગ્ય સમયે,
યોગ્ય રીતે ઉપયોગ માનવતા માટે અવસર બનશે, તો કેટલાક
લોકોને એઆઇમાં ભય દેખાય છે, તો કેટલાક લોકોને ભાગ્ય, ભવિષ્ય દેખાય છે તેવું વડાપ્રધાને જણાવ્યું હતું.વડાપ્રધાને એક મહત્ત્વની વાત
કરતાં કહ્યું હતું કે, `એઆઇ' નોકરીઓ ખતમ નહીં કરે, પરંતુ નવા અવસરો પેદા કરશે. આપણે એવા
યુગમાં પ્રવેશી રહ્યા છીએ જ્યાં માનવી અને મશીન સાથે મળીને કામ કરશે,
તેવું મોદીએ જણાવ્યું હતું. ડીપફેક રોકવા માટે એઆઇ સામગ્રી પર `ખરાઇ કરેલું લેબલ' લગાડવું જોઇએ, તેવું સૂચન
પણ વડાપ્રધાને કર્યું હતું. મોદી બોલ્યા હતા કે, એઆઇ માનવતાની
ભલાઇ માટેનું સહિયારું સંસાધન બનવું જોઇએ. વૈશ્વિક સમુદાયને માનવમ્લ્યો પર આધારિત એઆઇ
બનાવવાનું આહ્વાન કરું છું. મોદીએ `માનવ' મંત્ર
આપતાં જણાવ્યું હતું કે, એઆઇ મોરલ (નૈતિક), એકાઉન્ટેબલ (જવાબદાર), નેશનલ સોવરેનિટી (રાષ્ટ્રીય સંપ્રભુતા),
એકસેસિબલ (સુલભ) અને વેલિડ (માન્ય) હોવું જોઇએ. વડાપ્રધાને એઆઇ,
ટેકનોલોજીને `ઓપનસોર્સ' એટલે
કે `સૌ કોઇ માટે ખુલ્લી' બનાવવા પર ભાર મૂકયો હતો.