ગાંધીધામ, તા. 19 : ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા
દ્વારા ચેમ્બર ભવન ખાતે વિકાસલક્ષી અને જનકલ્યાણલક્ષી કેન્દ્રીય બજેટ-2026 અંગે ચર્ચાસત્ર યોજાયું હતું, જેમાં ઉદ્યોગજગત, વેપારીવર્ગ,
નાણાંકીય તજજ્ઞો, સામાજિક અગ્રણીઓ વિગેરેની ઉપસ્થિતિમાં બજેટના તાત્ત્વિક, પ્રાયોગિક
અને ભવિષ્યદર્શી પાસાઓ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ચેમ્બરના પ્રમુખ તેજા કાનગડે
સ્વાગત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે,
આ બજેટ એમ.એસ.એમ.ઈ., ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટૂરિઝમ
જેવા વિશાળ ક્ષેત્રોને પ્રાથમિકતા આપતું હોવાથી સ્થાનિક ઉદ્યોગકારો માટે નવી તકના દ્વાર
ખૂલશે. કચ્છનું ભૂગોળ અને પોર્ટ આધારિત અર્થતંત્ર, દેશના વિકાસમાં
મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે તેવું કહ્યું હતું.
ઉપપ્રમુખ દીપક પારેખે કચ્છના ઉદ્યોગો,
પોર્ટ, શિપિંગ, ટ્રાન્સપોર્ટ
અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરતાં જણાવ્યું હતું કે, બજેટમાં
કન્ટેનર મેન્યુફ્રેક્ચારિંગ, રેલ-રોડ પરિવહન, મરીન માર્ગોનો મહત્તમ ઉપયોગ અને નદીઓને
જોડીને પરિવહન વ્યવસ્થા વિકસાવવાની દિશામાં થયેલી જોગવાઈઓથી વિકાસ વેગવંતો થશે તેવું કહ્યું હતું.
મુખ્ય વક્તા સીએ માવજીભાઈ સોરઠિયાએ બજેટને વિઝન-2047 તરફ દોરી જતું વિકાસલક્ષી બજેટ
ગણાવી જણાવ્યું હતું કે, નાણાકીય પાવર
સાથે ઈચ્છાશક્તિ જોડાય ત્યારે જ રાષ્ટ્ર મજબૂત બને છે. કંડલા જેવા પોર્ટના વિકાસ,
ડિફેન્સ સિસ્ટમ, સુદૃઢતા, દેશનો પૈસો દેશમાં જ રોકાય તે માટેની
નીતિઓ, બિનજરૂરી કાયદાઓને દૂર કરવાના પ્રયત્નો અને કાયદાઓના યોગ્ય અર્થઘટનની જરૂરિયાત પર પ્રકાશ પાડયો
હતો. દીપક ચૌહાણે બજેટની રચનાત્મક પ્રક્રિયા સમજાવતાં જણાવ્યું હતું કે, બજેટ માત્ર આંકડાઓનો દસ્તાવેજ નથી, પરંતુ દેશની વિવિધતા
પ્રદેશ, ભાષા, સમાજ, ખેડૂતથી લઈને ઉદ્યોગપતિ સૌના હિતનું
સંતુલન જાળવતી જટિલ પ્રક્રિયા છે. તેમણે આવકના સ્ત્રોત, ખર્ચનું
આયોજન, કેપિટલ ખર્ચ અને ખોટ વચ્ચેનું સંતુલન, લાંબા ગાળાની આર્થિક સ્થિરતા અને સમૃદ્ધિ પર પ્રકાશ પાડયો હતો. માનદ મંત્રી
મહેશ તીર્થાણીએ બજેટને આગામી 20 વર્ષના રાષ્ટ્રીય વિઝન સાથે સંકળાયેલ દસ્તાવેજ ગણાવી ચેમ્બરના
મૂળભૂત ઉદ્દેશ, વેપાર અને સમાજ વચ્ચે સમન્વય
સ્થાપિત કરવાનો પુનરોચ્ચાર કર્યો હતો. શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પરમારે આભારવિધિ કરી
હતી. કાર્યક્રમમાં હરીશ માહેશ્વરી, અનિમેષ મોદી, રાજીવ ચાવલા, રાકેશકુમાર જૈન, તેજસ
શેઠ, ઉપરાંત કમલેશ પારિયાની, એ.કે. સિંઘ,
કૈલાસબેન ભટ્ટ, વૈભવીબેન ગોર, ડો. આનંદ ઠક્કર, મનોજ મૂલચંદાની, મહેશ ગઢવી, સંજય ગર્ગ, કમલ શર્મા,
સુરેશ ધુઆ, નયન પિત્રોડા, અજય કાપડી, નીતિન હુંબલ, સહિતના
વિવિધ સી.એ. અને અન્ય એસોસીએશનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.