• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

રાપરમાં 80 ટકા બાંધકામોની સત્તા મંડળની મંજૂરી નહીં

રાપર, તા. 19 :  રાપરમાં ધમધમતા જાહેર માર્ગ પર એક જૂની હોસ્પિટલનાં બિલ્ડિંગનો આગલો હિસ્સો મસમોટી અને વજનદાર રેલિંગનો ભાર ન સહી શકતાં કડડડભૂસ થઈ ગયો હતો. સદભાગ્યે નીચે કોઈ ન હોવાથી મોટી દુર્ઘટના થતાં થતાં રહી ગઈ હતી. આ ઘટના બાદ રાપરમાં ગેરકાયદે અને જર્જરિત બાંધકામ મુદ્દે  ભૂકંપનાં 25  વર્ષ બાદ પણ  તંત્રે દુર્લક્ષ સેવ્યું છે. ભૂકંપ બાદ અસ્તિત્વમાં આવેલા સત્તા મંડળ  હાલ ન જેવું હોવા સહિતની પરિસ્થિતિ શહેર માટે જોખમભરી સ્થિતિ છે.  વાહનોનો કચ્ચરઘાણ વાળી નાખતી આ હોનારતમાં નીચે જો માણસો હોત તો શું થાત એની કલ્પના માત્રથી કંપારી છૂટી જાય તેવું દૃશ્ય હતું! ત્યારે બિલકુલ તેને અડીને જ આવેલી માત્ર 10થી 12 ફૂટ પહોળી અને નવ મીટર કે તેથી ઊંચી આવી દુકાનો કે આવાં અન્ય તાતિંગ બિલ્ડિંગો બનાવવા માટે કોઈ એન્જિનીયરની સલાહ કે રાપર વિસ્તાર વિકાસ સત્તા મંડળની પરવાનગી લેવામાં આવે છે કે કેમ એવો સવાલ દરેક જાગૃત નાગરિકને સ્વાભાવિક રીતે જ થાય.  આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા બેસતું તંત્ર જો પાણી પહેલાં પાળ બાંધે તો જ આવી દુર્ઘટનાઓ થતી અટકી શકે. યાદ રહે કે કચ્છ એ ભૂકંપ ઝોન-છમાં આવતો જોખમી જિલ્લો છે, ત્યારે આવી લાપરવાહી પાલવે નહીં, પછી તંત્રની હોય કે પ્રજાની ! આટલા સમયથી આવા બાંધકામો પર દેખરેખ રાખવા 25 વર્ષથી કાર્યરત રાપર વિસ્તાર વિકાસ સત્તા મંડળનાં અસ્તિત્વ પર આવાં કોઈ ધારાધોરણ વગર આડેધડ ગેરકાયદે થતાં બાંધકામોથી સવાલ ઊઠી રહ્યા છે.  રાપરમાં નવા બાંધકામ માટે રાડાની પરવાનગી ફરજિયાત હોવા છતાં 80 ટકાથી વધુ બાંધકામો રાડાની કે નગરપાલિકાની મંજૂરી વિના થતાં હોવાનું જાણવા મળ્યું હતું. માત્ર લોન કે સહાયથી થતાં બાંધકામો કે જેમાં આવી મંજૂરી ફરજિયાત હોય, એ સિવાય કોઈ આવી પરવાનગી લેવામાં આવતી નથી. બાંધકામ કરતી વખતે પાર્કિંગ માટે કે મકાનમાં છોડવી પડતી ખુલ્લી જગ્યાનો પણ છેદ ઊડી જતો હોય છે. છઠ્ઠા ઝોનમાં આવતાં કચ્છ માટે આ લાલબત્તી સમાન છે. 

Panchang

dd