ભુજ, તા. 19 : રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ
મહેતાની કારમાંથી તેના જ કારના ડ્રાઈવરે રોકડા રૂા. 40 હજાર તથા જરૂરી દસ્તાવેજની
બેગની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી છે. ગત તા. 1/2થી 5/2ના ગાળા દરમ્યાનના
આ બનાવ અંગે પંકજભાઈ અનુપચંદભાઈ મહેતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 1/2ના રાબેતા મુજબ બપોરે જમવા
ગયા ત્યારે તેમના ડ્રાઈવર મનસુખભાઈ છગનલાલ દરજીને ઓફિસેથી એક બેગ ગાડીમાં રાખવા આપી
હતી, જેમાં ધંધાના રોકડા રૂા. 40,000 તેમજ જમીન લે-વેચના જરૂરી કાગળો
હતા. આ બાદ ફરિયાદી અને તે ગાડી પારિવારિક લગ્નપ્રસંગમાં સતત રોકાયેલા હતા. તા. 5/2ના ગાડીમાં બેગ ન દેખાતાં ડ્રાઈવર
મનસુખભાઈને બેગ અંગે પૂછતાં તેણે બેગ વિશે કંઈ ખબર ન હોવાનું જણાવ્યું હતું. બેગની
શોધખોળ કરતાં કયાંય ન મળી. ડ્રાઈવર મનસુખભાઈએ અગાઉ આઠેક વર્ષ પહેલાં છૂપી રીતે ફરિયાદીના
એટીએમ કાર્ડથી આશરે 80,000 ઉપાડીને
ચોરી કરી હતી. આથી તેમને તેની પર શંકા જતાં ઓફિસના અને ફરિયાદીનાં ઘરથી મનસુખભાઈનાં
ઘર સુધીના સીસીટીવી ફૂટેજ ચેક કરાવતાં તા. 4/2ના રાતે દશેક વાગ્યે મનસુખભાઈ પોતાની બાઈકમાં બેગ લટકાવીને દેખાયો
હતો. આ બાદ તેણે ચોરીની કબૂલાત પણ કરી હતી અને પરિવાર સાથે આવીને માફી માગી હતી. ફરિયાદી
પંકજભાઈ પાસે વર્ષોથી ડ્રાઈવર તરીકે નોકરી કરતા મનસુખભાઈએ ચોરી કરતાં તેમણે તેની વિરુદ્ધ
ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે.