• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

દત્તક પુત્રી ઠરાવી માલિકીહક્કનો દાવો નામંજૂર

ભુજ, તા. 19 : અંજાર તાલુકાના નાગલપર મોટીની સીમના રે.સ.નં. 138/2 પૈકી તથા રે.સ.નં. 138/3વાળી ખેતીની જમીનો જયશ્રીબેન કેશવજી ભચુ વેગડ (રહે. અંજાર)એ ભરત કાંતિલાલ વેગડ, ચંદ્રકાંત વેગડ, પ્રવીણ કાંતિલાલ વેગડ (રહે. નાગલપર, તા. અંજાર) વિરુદ્ધ કેશવજી ભચુ વેગડ અને મુક્તાબેન કેશવજી વેગડે કરી આપેલા બક્ષિસના દસ્તાવેજ રદ કરવા અને કેશવજી ભચુ વેગડની મિલકતના દત્તક પુત્રી તરીકે માલિકી હક્ક મેળવવા અંગે દાવો બીજા અધિક સિનિયર સિવિલ જજ અંજારની કોર્ટમાં  દાખલ કરવામાં આવ્યો જે દાવામાં દસ્તાવેજો ચકાસી અને પુરાવાઓ ધ્યાને લઈ કોર્ટે આ દાવો નામંજૂર કરીને વાદી જયશ્રીબેન કેશવજી વેગડને કોર્ટે કેશવજી ભચુ વેગડ અને મુક્તાબેન કેશવજી વેગડના દત્તક પુત્રી માન્યતા નથી અને તેમની મિલકતોમાં વાદી જયશ્રીબેનનો કોઈ હક્ક કે અધિકાર નથી તેવું માન્યું છે અને બીજા અધિક સિનિયર સિવિલ જજ અંજાર એસ.ડી. ત્રિપાઠીએ વાદી જયશ્રીબેનનો દાવો નામંજૂર કરવાનો હુકમ કર્યો છે. આ કેસમાં પ્રતિવાદીઓ ભરત, ચંદ્રકાંત અને પ્રવીણ કાંતિલાલ વેગડ તરફે દિનેશ જે. રાવલ, શૈલેષ સી. હર્ષ હાજર રહ્યા હતા. - નકલી નોટોના છ વર્ષ પૂર્વેના કેસમાં આરોપીઓ નિર્દોષ : છ વર્ષ પૂર્વે સરકાર દ્વારા રૂા. 100ના દરની નવી ચલણી નોટ ચલણમાં મુકાઈ હતી, ત્યારે બાતમીના આધારે પોલીસે  માધાપરમાં આરોપીના ઘરે જઈ આરોપી અતુલ પ્રાણલાલ વોરાના ખિસ્સામાંથી ખોટી - બનાવટી 100ના દર જેવી જાંબલી કલરની ઊતરતી કક્ષાના કાગળવાળી 37 નકલી નોટ મળી આવી હતી. પૂછતાછમાં આ નોટો બેંગ્લોરથી કિશોર પટેલ પાસેથી લાવ્યાનું જણાવ્યું હતું. સ્નેહલ પ્રફુલ્લચંદ ઝવેરી અને ભાવેશ મૂળશંકરભાઈ ઝાલાને છૂટક - છૂટક કાઢવા આપ્યાનું જણાવ્યું હતું. આ કેસમાં તમામ આરોપીઓની અટક બાદ  જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. આ કેસમાં સાત સાક્ષી તપાસી અને નવ દસ્તાવેજી પુરાવા રજૂ થયા હતા. આ કેસમાં અધિક સેશન્સ, અદાલત દ્વારા અતુલ, સ્નેહલ અને ભાવેશને નિર્દોષ છોડી મૂકવા જાહેર કરાયું હતું. આરોપીઓના એડવોકેટ તરીકે આર.એસ. ગઢવી, એ.એ. ઠક્કર, વી.જી. ચૌધરી, શિવમ બી. સોલંકી, પી.બી. મકવાણા, વિશ્વા એન. પરમાર હાજર રહ્યા હતા. - સગીરાનાં અપહરણમાં આરોપીના જામીન મંજૂર : માધાપર લગ્નની લાલચ આપી સગીરાનાં અપહરણ અંગે તા. 19/1/26ના માધાપર પોલીસમાં ફરિયાદ નોંધાતાં આરોપી રજાક ઓસમાણ સમાની અટક બાદ કોર્ટમાં રજૂ કરાતાં જેલ વોરંટ ભરી જેલમાં મોકલી દેવાયો હતો. આરોપીએ જામીન અરજી કરતાં બંને પક્ષની દલીલો સાંભળી સ્પે. પોક્સો કોર્ટે જામીન મંજૂર કર્યા હતા.  આરોપી પક્ષે ધારાશાત્રી કે.પી. ગઢવી અને તેમની ટીમના વી.આર. ભાનુશાલી, બી.જે. ભદ્રા, પી.ડી. ખુંગલા, એચ.પી. ગઢવી હાજર રહ્યા હતા. - 15-15 લાખના બે અલગ ચેકના કેસમાં આરોપી નિર્દોષ : ફરિયાદી દીપાલી ઉમેશ સોનાઘેલા તથા ફરિયાદી મીનાબેન ભરત સોનાઘેલા પાસેથી આરોપી હર્ષ અજિત રાજગોર (રહે. માંડવી)એ 15-15 લાખ ધંધા માટે લીધા હતા અને આપેલા ચેક પરત ફરતાં અલગ-અલગ ફરિયાદો દાખલ થતાં આ બંને કેસમાં માંડવી કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો છે. આરોપીના વકીલ તરીકે અલ્તાબગની એસ. ચાવડા હાજર રહ્યા હતા. 

Panchang

dd