નખત્રાણા, તા. 19 : દેશલપર (ગું.) ફાટકથી હાજીપીર
સુધીનો 32 કિ.મી. માર્ગ રાજ્યમાર્ગ-મકાન
વિભાગ હસ્તક રૂા. 82 કરોડના ખર્ચે
પૂર્ણ થનારા રાજ્યના ચોથા નંબરે અને કચ્છના સૌથી મોટા અને સંપૂર્ણ સી.સી.રોડનું વિધિવત
ખાતમુહૂર્ત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે કરાયું હતું. હાજીપીર યાત્રાધામ, નમક કંપનીના ઉદ્યોગ તેમજ સરહદી સીમાને સ્પર્શતો
તેમજ સાંતલપુર -ઘડુલી માર્ગને જોડતો મહત્ત્વનો આ માર્ગે વાહનોની અવરજવર થશે ત્યારે
અનેક સમસ્યાનું નિવારણ થશે તેવું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય શ્રી જાડેજાએ જણાવ્યું
હતું. રસ્તાકામ દરમ્યાન માર્ગમાં આવતા ગામો, વાહનચાલકો માટે અન્ય
રસ્તે ચલાવવા મળે તો પડનારી તકલીફ સહન કરી લેવા જણાવતાં શ્રી જાડેજાએ થોડી તકલીફ થશે
પણ વર્ષો સુધી આ માર્ગ ઉદ્યોગ-યાત્રાધામ તથા ગામડાંના વિકાસ માટે કડીરૂપ બનશે. આરંભમાં
તા.પં.ના પૂર્વ પ્રમુખ જયસુખભાઈ પટેલે કહ્યું હતું કે , ગાડી
વાહનચાલકો માટેનો આ માર્ગ કાર્યરત થયેથી લાંબા સમય સુધી સમસ્યાનું નિવારણ થશે. સ્વાગત
પ્રવચન કરતાં તા. ભાજપના મહામંત્રી હરિસિંહ રાઠોડે વર્તમાન કેન્દ્ર અને રાજ્યની ભાજપની
સરકારો દ્વારા રસ્તાકામો-અનેક વિકાસકામો થયાં છે. બાકી રહેલાં કામોની ધારાસભ્ય દ્વારા
દરખાસ્ત કરાઈ છે એમ કહ્યું હતું. ના.કા. ઈજનેર સી. વી. બોરડે સેન્સર પેવર મશીનથી પ્રથમ થતા સિમેન્ટ રોડમાં 150 શ્રમિક કામે લાગ્યા છે. આ કામ
છ માસથી ઓછા સમયમાં પૂર્ણ કરાશે તેવું તેમણે જણાવ્યું હતું. આ ટાંકણે તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ કેશરાણી, લાલજીભાઈ રામાણી, અશ્વિનભાઈ
સોની, સરપંચો કરણભાઈ રબારી, નારાણભાઈ ચાવડા,
ઉપસરપંચ ઓસમાણ લાંગાય, ભૂપતસિંહ સોઢા, અગ્રણીઓ મીઠુભાઈ વાઘેલા, તુલસીભાઈ પટેલ, મુકેશભાઈ રાણવા, ડુંગરશી જાડેજા, હાજી સુલેમાન, સાક્ષીબેન, કોન્ટ્રાક્ટર
દીપકભાઈ, ભીમજી વાળંદ, મહેન્દ્રસિંહ જાડેજા
સહિત ઉગેડી-દેશલપર, જિંજાય વિસ્તારના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
હતા. આભારવિધિ આધમ લુહારે કરી હતી.