• બુધવાર, 22 મે, 2024

ગુજરાતમાં મેઘો ઓળઘોળ : ગોધરા નવ ઇંચ

અમદાવાદ, તા. 17 (અમારા પ્રતિનિધિ તરફથી) : લાંબા વિરામ બાદ રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય થયું છે અને વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં વરસાદી માહોલ સર્જાતાં ભાદરવો ભરપૂર જામ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. જેના પગલે અંબાજીથી લઈ ઉમરગામ સુધી અને કચ્છથી લઈ દાહોદ સુધી વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, મહીસાગર, પંચમહાલ, ખેડા, દાહોદ, નર્મદા, સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દરમિયાન ભારે  વરસાદને લીધે નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઇ ગયા બાદ સરદાર સરોવર ડેમમાંથી 19 લાખ ક્યુસેક પાણી છોડવાના પગલે ભરૂચ જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભરૂચમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. શહેરના અનેક વિસ્તાર જળબંબોળ બન્યા છે. પાણી અનેક ઘરોમાં ઘૂસ્યા છે. જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. નર્મદાના કાંઠા વિસ્તારના ગામોમાંથી લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમ દ્વારા દીવાબેટમાં ફસાયેલા 20 લોકોને સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. વડોદરા જિલ્લાના ડભોઇના 2, શિનોરના 4 અને કરજણ તાલુકાના 7 સહિત નદી કાંઠાના 13 ગામોના 1487 નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકથી એકધારા પડી રહેલા વરસાદનાં પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ઠેર ઠેર પાણી ભરાયાની બૂમો ઉઠવા પામી છે. તંત્ર દ્વારા નદી કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં રોડ-રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. ભારે વરસાદ અને નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા અને ભરૂચના કેટલાક ગામડોઓને એલર્ટ અપાયું છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને નદી કાંઠે ન જવાની સૂચના આપવામાં આવી છે. જો કે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતો અને સામાન્ય લોકોને હાશકારો થયો છે. આજે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 173 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના ગોધરામાં 9 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે શહેરમાં 8.8 ઇંચ વરસાદ નોંધાયો છે. મહીસાગર જિલ્લાના વિરપુરમાં  8.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સાબરકાંઠાના તલોદમાં 7.5 ઇંચ, પંચમહાલના મોરવાહડફ અને અરવલ્લીના ધનસુરામાં 6.8 ઇંચ, મહીસાગરના લુણાવાડામાં 6.6 ઇંચ, સાબરકાંઠાના પ્રાંતિજમાં 6.2 ઇચ, અરવલ્લીના બાયડમાં 6.1 ઇંચ, ખેડાના કપડવંજમાં 5.8, દાહોદના લીમખેડામાં 5.7 ઇંચ, ખેડાના મહુધામાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વડોદરા જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તો નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી ઠાલવવામાં આવતાં નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઇ બનાસકાંઠાની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. આબુરોડ પાસેના શિવગંજની જવાઈ નદીમાં 4 શ્રમિક ફસાયા હતા. દાહોદના સુખસરની ખારી નદીમાં પાણીના ધસમસતા પ્રવાહમાં 5 લોકો સાથે કાર તણાઈ જતાં વહીવટી તંત્ર દોડતું થયું છે. સ્થાનિકોની મદદથી કારમાંથી લોકોને બહાર કાઢવા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.  મળતી માહિતી અનુસાર, સુખસરની ખારી નદીમાં કાર પાણીના પ્રવાહમાં તણાતા કારમાં સવાર લોકો `બચાવ બચાવ'ની ચીસો પાડવા લાગ્યા હતા. આ બનાવને પગલે સ્થાનિકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પંચમહાલ જિલ્લામાં ભાદરવો ભરપૂર જામ્યો છે. પાવાગઢમાં વરસાદી માહોલ જામતા ચારેકોર સન્નાટો છવાયો હતો. શનિવારની મોડી રાતથી જ પાવાગઢના જંગલમાં ભારે વરસાદની શરૂઆત થઈ હતી. છોટાઉદેપુર જિલ્લામાં પણ આજે સતત બીજા દિવસે વરસાદી માહોલ રહેતા નસવાડી પંથકમાંથી પસાર થતી અશ્વિની નદી બેકાંઠે વહેતી થઇ છે. અરવલ્લી જિલ્લામાં પણ ખેડૂતોની અગ્ની પરીક્ષાનો અંત આવ્યો છે. કારણ કે, ખુબ લાંબા વિરામ બાદ ફરી વરસાદે ધમાકેદાર બાટિંગ કર્યું છે. જેમાં બાયડ અને ધનસુરામાં 5થી 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્તા ચારેકોર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. ખેડાના ગળતેશ્વર તાલુકામાં પણ મેઘરાજાએ લાંબા વિરામ બાદ તોફાની બાટિંગ કર્યું છે. સમગ્ર પંથકમાં ભારે વરસાદના કારણે શેઢી નદી ભયજનક સપાટીએ વહી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સાબરકાંઠાના નેશનલ હાઇ-વે નંબર 8 પર પાણી ભરાયાં હતા. દિલ્લી-મુંબઈને જોડતા નેશનલ હાઇ-વે 8 પર પાણી ભરાયાં હતાં.કડાણા જળાશયમાંથી મહી નદીમાં પાણી છોડતાં વડોદરા જિલ્લાના ચાર તાલુકાના 45 ગામ એલર્ટ કરાયા છે. ઉપરવાસમાથી આવતા પાણીના પ્રવાહને ધ્યાને લેતા કડાણા ડેમમાંથી વધુમાં વધુ 10.50 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવાનું આયોજન છે. ઉપરવાસમાં સ્ત્રાવ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાથી કડાણા જળાશયમાં પાણીની આવક થઇ રહી છે તેમજ મહી બજાજમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તથા અનાસ નદીમાં પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે. કડાણા બંધની સુરક્ષા તથા ઉપરવાસમાં મહીબજાજ ડેમ માથી હાલમાં 4,43,910 ક્યુસેક તથા અનાસમાંથી 4,37,023 કયુસેક પાણી છોડવામાં આવેલ છે. જેને ધ્યાને લેતાં કુલ 8,80,933 કયુસેક પાણી ઉપરવાસમાંથી આવતાં પાણીના પ્રવાહ ધ્યાનમાં લેતાં હાલમાં કડાણા ડેમમાંથી 7,50,000 કયુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang