અમદાવાદ, તા. 1 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત ભાજપને ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહમાં નવા
અધ્યક્ષ મળી શકે છે. દિલ્હી ખાતે તાજેતરમાં ગુજરાતના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ
અને સંગઠન મંત્રી બી. એલ. સંતોષ વચ્ચે યોજાયેલી મહત્ત્વપૂર્ણ બેઠકમાં ભાજપ સંગઠનમાં
બદલાવને લઇને મહત્ત્વપૂર્ણ ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. જેને લઇને આગામી એક
સપ્તાહમાં ગુજરાતના રાજકારણમાં મોટા બદલાવ આવવાની શક્યતાઓ હાલ જણાઇ રહી છે. અહીં નોંધવું ઘટે કે, ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકેની જવાબદારી હાલ
કેન્દ્રીય મંત્રી સી. આર. પાટિલ નિભાવી રહ્યા છે. તેમના કાર્યકાળને પાંચ વર્ષ વિતી
ગયા છે. લોકસભાની ચૂંટણી બાદ જ ગુજરાત ભાજપના સંગઠનમાં નવા ફેરફાર થવાની ચર્ચાઓએ જોર
પકડયું હતું. જો કે, ત્યારથી લઇને આજદિન સુધી અટકળોનું બજાર ગરમ
રહ્યું છે. આ વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહમાં ગુજરાતને નવા અધ્યક્ષ મળી શકે
છે. ભાજપમાં પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી
બન્નેના જ્ઞાતિ સમીકરણ આધારે નિમણૂક થતી હોય છે.પાટીદાર અને ઓબીસી અથવા સવર્ણ અને ઓબીસી
એમ ગણિત આંકવામાં આવે છે. પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી એક જ જ્ઞાતિમાંથી હોય તેવું
ભાગ્યેજ બનતું હોય છે. છેલ્લી બે ટર્મથી ઓબીસી અને સવર્ણ એમ જ્ઞાતિ સમીકરણ આધારે નિમણૂક
આપવામાં આવે છે. સીએમ સવર્ણ હોય, તો પ્રદેશ પ્રમુખ ઓબીસી હોય
તેવાં સમીકરણ બેસાડવામાં આવે છે. સુત્રોના
જણાવ્યા અનુસાર, પ્રદેશ પ્રમુખની જાહેરાત બાદ જિલ્લા સ્તરે સંગઠનમાં
મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ પર નિમણૂકો કરવામાં આવશે. આ પદાધિકારીઓ માટે આગામી સમયમાં યોજાનારી
પાલિકાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવાની મોટી જવાબદારી હશે. અત્યાર સુધી પ્રદેશ ભાજપને
10 પ્રદેશ પ્રમુખ મળી ચૂક્યા છે.
હવે 11મા પ્રદેશ પ્રમુખ ટૂંક સમયમાં મળશે તેવા
ગુજરાતના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને સંગઠન મંત્રી બી. એલ. સંતોષ વચ્ચે બેઠકથી
એંધાણ મળી રહ્યા છે. આ માટેની પ્રક્રિયા અનુસાર,
નિરીક્ષક ગુજરાત આવશે અને સેન્સ પણ લેશે, પરંતુ
ગુજરાત પ્રદેશ એક સૂરમાં કહેશે કે, હાઈ કમાન્ડ જે નિર્ણય કરશે
તે માન્ય હશે.