ગાંધીધામ, તા. 1 : મેઘપર કુંભારડીની મેઘમાયા સોસાયટીમાં
પીવાનું પાણી ન મળતાં લોકો મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને પાણી વિભાગના જવાબદારો
સામે આક્રોશ વ્યક્ત કરીને તાકીદે સમસ્યાનું સમાધાન કરવા માટેની રજૂઆત કરી હતી, જેના પગલે અધિકારીઓએ આશ્વાસન આપ્યું હતું. મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા ગ્રામીણ વિસ્તારમાં
ઘણા સમયથી પીવાનાં પાણીની સમસ્યા છે ગ્રામીણમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા વીડી નાગલપરના
બોર મારફતે અને નર્મદાનું પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે, પરંતુ જથ્થો ઓછો આપવામાં આવે છે તેના કારણે ગ્રામીણ વિસ્તારમાં પાણીની સમસ્યા
સર્જાઇ રહી છે. ખાસ કરીને સોસાયટી વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી પહોંચતું
નથી. આ ઉપરાંત પણ અનેક સમસ્યાઓ છે. મહાનગરપાલિકાના વહીવટી તંત્રએ પાણીના મામલે પાણી
પુરવઠા બોર્ડ સાથે ચર્ચાઓ કરીને સમસ્યાનું સમાધાન લાવવું જરૂરી છે. લોકો હેરાન થાય
છે અને પછી મહાનગરપાલિકા કચેરીએ ધક્કા ખાઈને આક્રોશ વ્યક્ત કરે છે. શુક્રવારે પણ મેઘપર
કુંભારડીની મેઘમાયા સોસાયટીમાં ઘણા સમયથી પીવાનું પાણી ન મળતા લોકો મહાનગરપાલિકા પહોંચ્યા
હતા અને પાણી વિભાગના દિનેશભાઈ પુજારાને રજૂઆત કરી હતી. તેમણે લોકોને થોડાક સમયમાં
સમસ્યાનું સમાધાન આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. મહાનગરપાલિકા બન્યા પછી પાણી વિભાગ
દ્વારા ગ્રામીણ વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો હતો અને સોસાયટી વિસ્તારોમાં પીવાનું
પાણી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ વિતરણ
વ્યવસ્થા મહાનગરપાલિકા હસ્તક આવ્યા બાદ જ સ્થિતિ સુધરવાની સંભાવના દેખાઈ રહી છે અને
આ બાબતે તંત્ર પગલાં ભરે તે પણ અતિ જરૂરી અને આવશ્યક છે.