વોશિંગ્ટન/નવી દિલ્હી, તા. 1 : અમેરિકાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત ડઝનબંધ દેશો પર ટેરિફનો અમલ એક સપ્તાહ માટે ટાળીને
સાતમી ઓગસ્ટથી શરૂ કરવાનો નિર્ણય લેતાં શુલ્કને લઇને નવેસરથી અનિશ્ચિતતાઓ ફેલાઇ છે.
ટ્રમ્પે ભારત પર 25 ટકા તીવ્ર
ટેરિફ લાદ્યો છે. હવે ભારત સહિત 90 દેશને સાત
દિવસની રાહત અપાતાં ટેરિફમાં ફેરફારની પણ શક્યતા જોવાઇ રહી છે. 25 ટકા અમેરિકી ટેરિફને લીધે ભારતની
અમેરિકામાં 86 અબજ ડોલરની નિકાસ પૈકી લગભગ અડધી નિકાસ પર અવળી અસર થશે. દવાઓ
અને આરોગ્ય ઉપકરણો, ઇલેક્ટ્રોનિક
સામાનોને રાહત અપાઇ છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું
હતું કે, ભારત અને અમેરિકા સર્વગ્રાહી વૈશ્વિક અને વ્યૂહાત્મક
ભાગીદારી ધરાવે છે. જો કે, રશિયા સાથેના સંબંધો પણ રાષ્ટ્રીય
હિત મુજબ મહત્ત્વના છે. ટ્રમ્પે 92 દેશ પર નવા ટેરિફની યાદી જારી
કરી હતી, જેમાં ભારત પર 25 ટકા ટેરિફ લગાવાયો છે. જો કે, કેનેડા પર આ શુક્રવારથી જ 35 ટકા ટેરિફ લાગુ થઇ ગયો છે.
દુનિયાભરમાં સૌથી વધારે 41 ટકા ટેરિફ
સીરિયા પર લગાવાયો છે. આ યાદીમાં ચીનનું નામ સામેલ નથી. અમેરિકાના રાષ્ટ્રપતિએ બીજી
એપ્રિલના દિવસે દુનિયાભરના દેશો પર ટેરિફ લાગુ કરવાની ઘોષણા કરી હતી. ભારતની સાથોસાથ
અન્ય 90 દેશને પણ ટ્રમ્પ પ્રશાસન તરફથી
હાલ તુરંત ટેરિફમાં સાત દિવસ પૂરતી રાહત અપાઇ હતી. ત્યારબાદ ટ્રમ્પે 90 દિવસમાં 90 સોદા કરવાનું લક્ષ્ય રાખ્યું
હતું. જોકે, અમેરિકા અત્યાર સુધી માત્ર
સાત દેશ સાથે સમજૂતી કરી શક્યું છે. યુરોપીય સંઘના સામાનો પર સીધો 15 ટકા નહીં, પરંતુ કોઇ ચીજ પર 10 ટકા છે તો વધારાનો પાંચ ટકા
ઉમેરાશે. ટ્રમ્પે અમેરિકાના વ્યાપારિક ભાગીદારો ઉપર 10 ટકાથી 41 ટકા સુધીના નવા રેસિપ્રોકલ
ટેરિફ લાદવાનો આદેશ આપ્યો છે. જો કે ટ્રમ્પ દ્વારા ભારત સહિત કુલ 92 દેશ ઉપર ટેરિફ લાદ્યા છે. જેમાં ભારત ઉપર 25 ટકા, તાઈવાન ઉપર
20 ટકા ટેરિફ છે. ટ્રમ્પે મિત્ર
ઈઝરાયલને પણ છોડયું નથી અને 15 ટકા ટેરિફ
લાગુ કર્યો છે. નવા ટેરિફમાં ટ્રમ્પ ઘણા દેશો ઉપર મહેરબાન છે. જેમાં ઈન્ડોનેશિયા ઉપર
13 ટકા, બાંગલાદેશ ઉપર 20 ટકા, પાકિસ્તાન ઉપર 19 ટકા ટેરિફ છે. જો કે આ યાદીમાં
ચીન સામેલ નથી. વ્હાઈટ હાઉસ તરફથી ઘોષણા કરવામાં
આવી છે કે, ધરતી ઉપર રહેલા તમામ દેશ
પાસેથી અમેરિકામાં આયાત થતી વસ્તુઓ ઉપર ઓછામા ઓછા 10 ટકા ટેરિફ તો લગાડવામાં જ આવશે.
અહેવાલ અનુસાર અમેરિકા દ્વારા જારી કરવામાં આવેલી યાદીમાં કુલ 92 દેશ સામેલ છે. જે ઉચ્ચ ટેરિફમાં
આવે છે. 15 ટકા ટેરિફના દાયરામાં ઈઝરાયલ
ઉપરાંત, આઈસલેન્ડ, ફિજી,
ઘાના, ગુયાના, ઈક્વાડોર,
વેનેઝુએલા, દક્ષિણ કોરિયા, તુર્કી, અંગોલા, બોત્સવાના,
કેનરુન, ચાડ, કાંગો,
જાપાન, જોર્ડન, મેડાગાસ્કર,
મલાવી, મોરિશિયસ, વનાતુ,
ઝિમ્બાબ્વે અને ઝામ્બિયા વગેરે
સામેલ છે. નવા આદેશમાં સીરિયા ઉપર 41 ટકા ટેરિફ છે જ્યારે દક્ષિણ આફ્રિકા ઉપર 30 ટકા છે. આ ઉપરાંત કેનેડાથી
આવતા સામાન ઉપર વર્તમાન ટેરિફ 25 ટકાને વધારીને
35 ટકા કરવામાં આવ્યો છે. ટ્રમ્પે
પહેલા આફ્રિકી દેશ લોસોથો ઉપર 50 ટકા ટેરિફની
ધમકી આપી હતી પણ હવે 15 ટકા ટેરિફ
જ લાગશે. નવા ટેરિફ લિસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ
મુસ્લિમ દેશો ઉપર મહેરબાન થયા છે. કારણ કે આવા દેશ ઉપર એપ્રિલમાં લાદવામાં આવેલા ટેરિફના
મુકાબલે ઓછો ટેરિફ લગાડયો છે. ઈન્ડોનેશિયા ઉપર એપ્રિલમાં 32 ટકા ટેરિફ લગાડયો હતો, જે હવે 19 ટકા છે. બંગલાદેશ ઉપર ટેરિફ
એપ્રિલના 37 ટકાથી ઘટાડીને 20 ટકા કરાયો છે. પાકિસ્તાન ઉપર
પહેલા 29 ટકા ટેરિફ હતો જે હવે 19 ટકા થયો છે. મલેશિયા ઉપર 24 ટકાથી ઘટાડીને 19 ટકા, જોર્ડન ઉપર
20 ટકાથી ઘટાડીને 15 ટકકા, ઈરાક ઉપર 39 ટકાથી ઘટાડીને 35 ટકા કરવામાં આવ્યો છે. - ટ્રમ્પ પાક
પર ભારે મહેરબાન ! : વોશિંગ્ટન, તા. 1 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પ પાકિસ્તાન પર કંઈક વધુ પડતા મહેરબાન થયા છે. આતંકને પોષતા પાકને બે દિવસમાં
બે રાહત આપતાં તેલસંધિ બાદ હવે માત્ર 19 ટકા ટેરિફ લાગુ કર્યો છે. દક્ષિણ એશિયાના કોઈ પણ દેશ પર આ સૌથી
ઓછો ટેરિફ હશે. અગાઉ એપ્રિલમાં ટ્રમ્પે ભારત પર 26 ટકા, પાક પર 29 ટકા ટેરિફની વાત કરી હતી. નવા
આદેશમાં અમેરિકી પ્રમુખે ભારતને માત્ર એક ટકા અને પાકિસ્તાનને 10 ટકાની મોટી રાહત આપી હતી. ટ્રમ્પે
પાક સાથે તેલસંધિ પણ કરી હતી. હવે બીજી રાહતરૂપે આતંકપરસ્ત દેશ પર માત્ર 19 ટકા ટેરિફ લાગુ કર્યો છે. છેલ્લા
કેટલાક મહિનાથી અમેરિકા અને પાકિસ્તાનના સંબંધોમાં ઘણી નીકટતા આવી ગઈ છે, તેવું આવાં પગલાંઓ પરથી કળી શકાય છે. પાકિસ્તાને
જૂનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની માંગ કરી
હતી.ખાસ ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ
થયા પછી ટ્રમ્પે `આઈ લવ પાકિસ્તાન' એવું પણ કહ્યું હતું.