ગાંધીધામ, તા. 1 : અંજાર તાલુકાના અજાપર સીમમાં
કંપનીની શ્રમિક વસાહતમાં અંતરા સાગર
બર્મનના આપઘાત પ્રકરણમાં પશ્ચિમ બંગાળ ખાતે હત્યાની કલમો તળે ગુનો નોંધાતાં ઝીરો નંબરથી
આ ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઇ હતી. અજાપરની
સીમમાં આવેલી ગ્રેટાડોર કંપનીની વસાહતમાં ગત તા. 21/5ના આ બનાવ બન્યો હતો. અંતરા
નામની પરિણીતાએ ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો
હતો. જે અંગે સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.
દરમ્યાન પરિણીતાની માતા ભૂમિકા શંભુ બર્મને પશ્ચિમ બંગાળ ખાતે પોતાની દીકરીના સાસરિયા
વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં
પતિ સાગર, સસરા જગન્નાથ બર્મન, સાસુ ગીતાબેન
તથા જોય જગન્નાથ બર્મનનું નામ લખાવાયું હતું. પશ્ચિમ બંગાળથી ઝીરો નંબરથી ફરિયાદ અહીં
આવતાં અંજાર પોલીસે ફરિયાદ નોંધી હતી. આ અંગે પી.આઇ. એ.આર. ગોહિલનો સંપર્ક કરતાં તેમણે
જણાવ્યું હતું કે, જે-તે સમયે તબીબે તપાસ કરતા પરિણીતાનું મોત
હેંગિંગના કારણે થયું હોવાનું બહાર આવ્યું હતું, જેમાં તમામ પાસાઓની
તપાસ કરાઇ હતી. જે-તે વખતે પણ હત્યા જેવું કાંઇ બહાર આવ્યું નહોતું.