રામજી મેરિયા દ્વારા : ચોબારી, તા. 1 : દેશમાં ચાઈનાની વિવિધ બનાવટો
અર્થતંત્રને અસર કરી રહી છે ને તેની માયાજાળ લોકોને ફસાવે છે, ત્યારે ગામડાના ઓછું ભણેલા અને ઝાઝી કોઠાસૂઝ ધરાવતા કચ્છના કુંભારોએ
માટીકામમાં પણ પોતાની આગવી છાપ ઊભી કરીને માટીમાંથી વિવિધ આભૂષણ, અવનવી રાખડીઓ બનાવીને અનોખું આકર્ષણ ઊભું કર્યું છે. ભુજ તાલુકાના લોડાઈ ગામના
અદ્રેમાનભાઈએ કુંભારીકામમાં ઈકોફ્રેન્ડલી રાખડી બનાવીને આત્મનિર્ભરતા અને સ્વદેશીપણાનું
અનોખું ઉદાહરણ પૂરું પાડયું છે. વર્ષો પહેલાં માટીકામમાં રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત
પરિવાર ગામડામાં કુંભારીકામના વ્યવસાય માટે ટકી રહેવા મથામણ કરીને માટીમાંથી અવનવી
આઈટમો બનાવીને નવી પહેલ કરી છે. તેઓએ પ્રાકૃતિક કલરનો ઉપયોગ કરી રંગબેરંગી રાખડીઓ બનાવીને
બજારમાં મૂકવાનો પ્રયાસ કર્યો છે. સાથેસાથે માટીનાં આધુનિક વાસણો, મોબાઈલ મૂકીને સાઉન્ડ ઉત્પન્ન કરતા માટીના લાઉડસ્પીકર, સંગીત ઉત્પન્ન કરનાર માટીનો ઘડો, પાણીની બોટલો અને માટીનાં
વિવિધ પ્રકારનાં વાસણો બનાવી રણોત્સવ અને દેશનાં મોટાં શહેરોમાં પોતાના માટીકામની કળાનું
પ્રદર્શન કરીને આ ઈકોફ્રેન્ડલી વસ્તુઓ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. આવાં સ્થાનિક કારીગરોની
જો તંત્ર નોંધ લે અને તેઓને વધુ સારી તક મળે તો અનેક કારીગરો સ્વદેશી અભિયાનને વધુ
વેગ આપી શકે તેમ છે અને આત્મનિર્ભરતાનાં મંત્રને સાર્થક કરી શકે છે તેવું જણાવ્યું
હતું. માટીકામમાંથી બનાવેલી જ્વેલરીની વિવિધ આઈટમો, કાનની બુટી, લોકેટ, માટીની મોતીની માળા વગેરેને આકર્ષક કલરથી સજાવી
સ્વદેશી વસ્તુઓ થકી રાષ્ટ્રહિતનું કાર્ય પણ કરી રહ્યા છે. આ માટીકામની મહેકને જો માણવી
અને જાણવી હોય તો એકવાર લોડાઈ ગામમાં જવું પડે, તેવું કારીગરોએ
કહ્યું હતું. પ્રવાસન ખૂબ જ વિકસી રહ્યું છે ત્યારે કચ્છના ટૂર ઓપરેટરો, ગાઈડ વગેરે આની નોંધ લઈ વધુ લોકો સુધી પહોંચાડે તે જરૂરી છે. ભાઈ-બહેનના પવિત્ર
પ્રેમનું પર્વ રક્ષાબંધન નજીક આવે છે ત્યારે બહેનો પણ પોતાના ભાઈના કાંડે આવી ઈકોફ્રેન્ડલી
રાખડી બાંધે, ચાઈનાની રાખડી ન ખરીદતાં આવી સ્વદેશી ઈકોફ્રેન્ડલી
રાખડીનો ઉપયોગ કરીને સ્વદેશીને પ્રોત્સાહન મળે, પ્લાસ્ટિક કે
અન્ય મટીરિયલવાળી રાખડીનો ઉપયોગ કરવાથી પર્યાવરણને પણ હાનિ પહોંચે છે. આ ઈકોફ્રેન્ડલી
રાખડી ખરીદવાથી સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળશે અને નાના કારીગરોને રોજીરોટી મળી
રહેશે. હવે ગામડાની અનેક હસ્તકલાઓ લુપ્ત થવાના આરે છે ત્યારે આવી હસ્તકલા ટકી રહે તેમ
પણ અતિ આવશ્યક છે. આવી તો ગામડાંની અનેક કલાઓ પડી ભાંગી છે. ગામડે ગામડે થતી અનેક હસ્તકલાઓ
હવે જોવા મળતી નથી. આથી ગ્રામીણ કારીગરોને ટકાવી રાખવા, સ્થાનિક
કલાને પ્રોત્સાહન આપવા અનુરોધ કરાયો હતો.