નવી દિલ્હી, તા. 1 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદી ઉપર નિવેદન બદલ માનહાનીના ખટલાનો સામનો કરી રહેલા કોંગ્રેસ સાંસદ શશિ
થરુરને સુપ્રીમ કોર્ટે રાહતનો સંકેત આપ્યો છે. અદાલતે કહ્યું છે કે નેતાઓ અને જજો જાડી
ચામડીના હોવા જોઈએ. 2018મા શશિ થરુરે
કહ્યું હતું કે એક આરએસએસ નેતાએ જ નરેન્દ્ર મોદીની તુલના શિવલિંગ ઉપર બેસેલા વીંછી
સાથે કરી હતી. આ નિવેદન મુદ્દે ભાજપ નેતા રાજીવ બબ્બરે માનહાનીનો કેસ દાખલ કર્યો હતો.
આ મામલે કાર્યવાહી રોકવા માટે શશિ થરુર દ્વારા માગણી કરવામાં આવી હતી. જેને હાઈ કોર્ટમાં
નકારી કાઢવામાં આવી હતી. બાદમાં તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જસ્ટિસ
એમએમ સુંદરેશ અને જસ્ટિસ એન કોટિશ્વર સિંહની બેંચે કહ્યું હતું કે જાહેર જીવનમાં રહેતા
લોકોએ આટલું સંવેદનશિલ હોવું જોઈએ નહીં. આવા નિવેદનોને દિલ ઉપર લેવા જોઈએ નહી. શશિ
થરુરે નવેમ્બર 2018મા બેંગલોર સાહિત્ય ઉત્સવમાં
બોલતા કહ્યું હતું કે આરએસએસના જ એક નેતાએ પીએમ મોદીની તુલના શિવલિંગ ઉપર બેસેલા વીંછી
સાથે કરી હતી. થરુરના આ નિવેદન ઉપર ખુબ વિવાદ થયો હતો અને હાઈ કોર્ટે કહ્યું હતું કે, તેમનું નિવેદન પીએમ મોદી અને આરએસએસની ગરીમાને
ઠેસ પહોંચાડનારુ છે. આ જ આધારે તેમની સામે દાખલ કેસમાં કાર્યવાહી ઉપર રોક મુકવાનો ઈનકાર
કરવામાં આવ્યો હતો. આ જ માનહાનીના કેસમાં સુપ્રીમ કોર્ટની બેંચે અરજકર્તા રાજીવ બબ્બર
અને શશિ થરુરને સલાહ આપી હતી કે આ મામલાને
ખતમ કરી દેવામાં આવે. બેંચે કહ્યું હતું કે આવી બાબતોએ વધારે પડતું લાગણીશીલ થવાની
શું જરૂર છે. પ્રશાસકો અને જજોની ચામડી મોટી હોવી જોઈએ.