દેવેન્દ્ર વ્યાસ દ્વારા : માંડવી, તા. 1 : આ બંદરીય શહેરને ઉપરથી ભારે
વીજ લાઇનોના રેસાઓથી મુક્ત કરવાનો મનોરથ છે. મુંદરા નગર ઉપરાંત દરિયાકાંઠાના ગામો માટે
અસ્ખલિત વીજ પુરવઠો મળતો રહે અને એ માટે નડતરરૂપ કોઇપણ સમસ્યાના નિવારણ માટે વિધાનસભાના
પ્રતિનિધિ તરીકે કોઇ કચાશ નહીં રખાય તેવા સહિયારા પ્રયાસો સદૈવ રહ્યા છે. આ કાજે રૂા.
78 કરોડ રાજ્ય સરકાર પાસે રજૂઆતોના
પરિણામ સ્વરૂપે મંજૂર કરાવ્યા છે એમ બંદરીય શહેરમાં વિભાગીય વીજ કચેરી પરિસરમાં `અંડરગ્રાઉન્ડ કેબલ' લોકાર્પણ કાર્યક્રમના પ્રમુખ અતિથિપદેથી ધાસભ્ય
અનિરુદ્ધભાઇ દવેએ શ્રીફળ વધેરતાં કહ્યું હતું. પશ્ચિમ કચ્છના અધીક્ષક ઇજનેર તપનભાઇ
વોરાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. - બે ફીડરને અંડરગ્રાઉન્ડમાં
આવરાયા : વરસાદના અમીછાંટણા સાથે મંગલાચરણ કરાતું
હોય તેમ હળવાં ઝાપટાંમાં પલળતા માહોલમાં 11 કે.વી. સિટી ફીડર અને 11 કે.વી. સિવિલ ફીડર એમ પ્રથમ તબક્કે 22.13 કિ.મી. લાંબી ભારે વીજ લાઇનોને
અંડરગ્રાઉન્ડ કેબલમાં તબદીલ કરાવતાં પશ્ચિમ કચ્છ વીજતંત્રના સુપરિન્ટેન્ડેન્ટ ઇન્જિનિયર
તપનભાઇ વોરાએ કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ મુલાકાતને યાદગાર લેખાવતાં જણાવ્યું હતું
કે, સરકારની વિવિધ યોજનાઓનાં મીઠાં ફળ શક્યાંશે
જલદી નસીબ કરાવવા માટે તંત્ર તત્પર છે. દરિયાકિનારાના વિસ્તારો અવાંતરે વાવાઝોડાં-સાયક્લોનની
થપાટો થકી વીજ વિક્ષેપની વિડંબણા ભોગવતા હોવાથી ભારે વીજ રેસાઓ અંડરગ્રાઉન્ડ પાથરવામાં
આવ્યા છે, આવી રહ્યા છે. વીજ પુરવઠો હવે જીવનશૈલીનો એક ભાગ બની
ગયો છે. મટીરીયલ્સ અને મેનપાવરની સાંકળ મજબૂત કરાઇ રહી છે. શહેરમાં પાંચ પૈકી બે ફીડર
આવી લેવાયા છે જ્યારે ત્રણની કામગીરી પ્રગતિમાં છે. - સ્માર્ટ મીટર પ્રસ્થાપિત કરવાનો
અનુરોધ : ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ ઊર્જા અને શક્તિ
ભોળાનાથ શિવજી પાછળ બિરાજમાન છે. નરેન્દ્રભાઇ મોદીની નેહ નજર થકી ગુજરાત રાભજ્ય વીજ
વ્યવસ્થા ક્ષેત્રે નેત્રદીપક છાપ ઊભી કરી શક્યું છે. મુ.મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના
વડપણ હેઠળની રાજ્ય સરકાર વિવિધ યોજનાઓને લાભકારી બનાવી રહી છે ત્યારે ડિઝિટલાઇઝેશનનો
મહત્તમ ઉપયોગ કરવા, સ્માર્ટ મીટર
પ્રસ્થાપિત કરાવવાનો અનુરોધ કરતાં નાગરિક ફરિયાદ વેળાએ ફોન ઓપરેટર વધુ તત્પર અને મૃદુ
રહે તે અનિવાર્ય લેખાવ્યું હતું. ધારાસભ્ય અને વીજ વડા અધિકારીઓએ અંડરગ્રાઉન્ડ કેબલનું
લોકાર્પણ કરાવ્યું હતું. - સાત મહિનામાં
કામ પૂર્ણ કરાશે : વિભાગીય કચેરીના
નાયબ ઇજનેર સનતભાઇ જોશીએ વિસ્તૃત વિગતો આપતાં કહ્યું હતું કે, લોડ સેડિંગનું નિવારણ થઇ ગયું છે. બંદરીય શહેરની
તવારીખમાં આજે નવું પાનું ઉમેરાઇ રહ્યું છે. સિટી ફીડર અને સિવિલ ફીડરને પ્રથમ તબક્કે
22.13 કિ.મી.માં આવરી લેવાતાં બસ
સ્ટેશન, આઝાદ ચોક, સ્વામિનારાયણ
મંદિર રોડ, મરિન પોલીસ સ્ટેશન, સબ ડિસ્ટ્રીક્ટ
હોસ્પિટલ, વોટર સપ્લાય વર્કસ, ગોકુલવાસ
વિસ્તાર, અયોધ્યાનગર સહિતના એરિયા આવરી લેવાયા છે. ધવલનગર,
જીમખાના, સલાયા ફીડર માટે યુ.જી.જી.ઓ.જી. યોજના
અંતર્ગત કામગીરી હાથ ધરાઇ રહી છે. આગામી સાતેક મહિનામાં શહેરના તમામ પાંચેય વીજ ફીડરો
સુધીના ભારે વીજ રેસાઓ અંડરગ્રાઉન્ડ તકરી દેવાશે અને શહેરમાં 36.83 કિ.મી. લાંબી વીજ લાઇન નસીબ
થઇ જશે એવું આયોજન છે. વાવાઝોડાં, ભારે
પવનની થપાટો વેળાએ વીજ વાયરો તૂટવા, વૃક્ષોનું લાઇન ઉપર ઢળવું,
પક્ષીઓ વગેરેના કારણે `ફોલ્ટ' સર્જાવો
સહિતની સમસ્યાઓ મહદઅંશે નામશેષ કરી શકાશે એવો દાવો કરાયો હતો. માંડવીની સમાંતરે જોડિયા
મુંદરા તાલુકામાં પણ હાલતુરંત શહેરી વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક ઊભું કરાઇ
રહ્યું હોવાની જાણકારી અપાઇ હતી. આભારદર્શન આ વિભાગના કાર્યપાલક ઇજનેર રીતેશભાઇ વારાએ
કરતાં કહ્યું હતું કે, જન સમસ્યા નિવારણ અર્થે તંત્ર સંવેદનશીલ
અને સક્રિય છે અને રહેશે. સંચાલન અને ઉદ્ઘોષણા જયેશભાઇ સોમૈયાએ કરી હતી. વક્તાઓ ઉપરાંત
નગર સેવાસદનના પ્રમુખ હરેશભાઇ વિંઝોડા, ઉ.પ્ર. જ્યોત્સનાબેન સેંઘાણી,
કારોબારી સમિતિના ચેરમેન વિશાલ ઠક્કર, મુખ્યાધિકારી
જીજ્ઞેશ બારોટ, દંડક લાંતિક શાહ, શહેર ભાજપ
પ્રમુખ દર્શન ગોસ્વામી, ના. ઇજનેર જીજ્ઞાસાબેન વ્યાસ,
એકા. ઓફિસર સરોજબેન વહોણિયા, સિટી ના. ઇજનેરો વિપુલ
પટેલ, સંકેત પટેલ (ગ્રામ્ય), ભાવિન પટેલ,
એમ. આર. મોદી (મુંદરા) વગેરે મંચસ્થો હતા. પૂર્વ નગરપતિઓ હરેશભાઇ ગણાત્રા,
સુજાતાબેન ભાયાણી, ભારત વિકાસના પ્રમુખ મુકેશ સોલંકી,
ડો. કે. જી. વૈષ્ણવ, અંધ-અપંગ માનવ કલ્યાણ સોસાયટીના
પ્રમુખ શાંતિલાલ ગણાત્રા, મંત્રી દિનેશ શાહ, ચેમ્બરના ખજાનચી ચંદ્રસેન કોટક, મર્ચન્ટ એસો.ના પ્રમુખ
લિનેશ શાહ, સર્વાંગી સમિતિના ઉ.પ્ર. દીપકભાઇ પંડયા, સારસ્વતમના મુલેશભાઇ દોશી, કાશ્મીરાબેન રૂપારેલ,
દિનેશ હીરાણી, કમલેશ ગઢવી વગેર જોડાયા હતા.