• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

અમેરિકામાં મોદી પર રાહુલનું નિશાન

નવી દિલ્હી, તા. 31  : અમેરિકાના પ્રવાસે પહોંચેલા રાહુલ ગાંધીએ આજે સાન ફ્રાન્સિસ્કો ખાતે ભારતીય સમુદાય વચ્ચે `મહોબત કી દુકાન' કાર્યક્રમને સંબંધિત કર્યો હતો. 40 મિનિટના પોતાના પ્રવચનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરવાની એક પણ તક છોડી ન હતી. રાહુલે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી ભગવાનને પણ દુનિયા ચલાવવાનું શીખવી શકે એમ છે. આ જોઇને ભગવાન પણ ચોંકી જશે કે, આ મેં શું બનાવી દીધું! આ ઉપરાંત રાહુલે ભાજપ અને આરએસએસ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, આ લોકો ભારતની વિવિધતા માટે ખતરો છે.રાહુલે દેશમાં મુસ્લિમોની હાલત અનુસૂચિત જાતિ જેવી હોવાની ટિપ્પણી કરતાં વિવાદ સર્જાયો છે. તેમણે કહ્યું કે, હાલ ભારતમાં મુસ્લિમોની જે હાલત છે, તે એવી છે જેવી 80ના દાયકામાં યુપીમાં અ.જા.ની હતી. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ જે દૌરની વાત કરી ત્યારે યુપીમાં 8 વર્ષ કોંગ્રેસની સરકાર હતી ! આમ તેમના આવી વાતથી કોંગ્રેસ જ ઘેરાઈ છે. દરમ્યાન ભાજપે રાહુલ પર પલટવારમાં કહ્યું છે કે, તેઓ વિદેશમાં ભારતનું અપમાન કરે છે. રાહુલનું સ્વાગત ઇન્ડિયન ઓવરસિઝ કોંગ્રેસ અધ્યક્ષ સામ પિત્રોડા અને અન્ય સભ્યોએ એરપોર્ટ ખાતે કર્યું હતું. કેટલાક મીડિયા અહેવાલ અનુસાર રાહુલને ઈમિગ્રેશન ક્લિયરેન્સ માટે એરપોર્ટ પર બે કલાક સુધી રાહ જોવી પડી હતી. જેને લઈને રાહુલે કહ્યું હતું કે, હું હવે સાંસદ નથી રહ્યો, સામાન્ય માણસ છું. જો કે આ અંગે કોંગ્રેસનું કોઈ અધિકૃત નિવેદન નથી આવ્યું.આ કાર્યક્રમમાં ભારતીય સમુદાયને લોકોએ રાહુલને ઘણા વિષયો પર પ્રશ્નોત્તરી કરી હતી. રાહુલે ભારત જોડો યાત્રા અંગે કહ્યું હતું કે, આ યાત્રા દરમ્યાન રાજકારણમાં કઈ વસ્તુનો ઉપયોગ થાય છે એની જાણકારી અમને મળી, જે ક્યારેય બેઠકોમાં નથી મળતી. અમને જેની જરૂર હતી એ તમામ બાબતોને ભાજપ અને સંઘે પોતાના નિયંત્રણમાં રાખી છે. લોકોને ડરાવવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય એન્જસીઓનો ઉપયોગ થઈ રહ્યો છે. આ બધાની વચ્ચે અમે શ્રીનગર સુધી યાત્રા કરવાનો નિર્ણય કર્યો હતો.આ યાત્રા દરમ્યાન રાહુલને ઘૂંટણમાં ઈજા હતી પરંતુ યાત્રા દિવસના બારથી 14 કલાક ચાલી હતી. રાહુલે પોતાના અનુભવ વહેંચતા કહ્યું હતું કે, આ યાત્રા દરમ્યાન તમામ ધર્મના અને સંપ્રદાયના  લોકો મારી સાથે હતા. આ યાત્રામાં ફક્ત હું ચાલતો ન હતો, મારી સાથે આખું ભારત ચાલી રહ્યું હતું. આ યાત્રામાં લોકો એકબીજાની મદદ કરી રહ્યા હતા. જેને લઈને અમને વિચાર આવ્યો કે, `નફરતના બજારમાં, મહોબ્બતની દુકાન' ખોલવામાં આવે.દરમ્યાન, ભાજપ નેતા અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, રાહુલ દરેક વિદેશ પ્રવાસમાં ભારતનું અપમાન કરે છે. શું વિદેશમાં જઇને કીચડ ઉછાળવાનું કામ રહી ગયું છે?

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang