• શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

વાંઢાય-ઈશ્વર આશ્રમ નવાં વાઘાં ધરશે

વિથોણ (તા. નખત્રાણા), તા. 30 : વિવિધ સંતોની સાધના ભૂમિ એવા વાંઢાય સ્થિત ઈશ્વર આશ્રમને ફરી ચેતનવંતો બનાવવા સંદર્ભે તાજેતરમાં મળેલી 18 આલમના સનાતની સેવકોની બેઠકમાં ચર્ચાના અંતે ઈશ્વર આશ્રમને નવાં વાઘાં પહેરાવવાનો નિર્ણય લેવાયો હતો. આશ્રમના વર્તમાન મહંત મોહનદાસજી મહારાજના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં આશ્રમના વહીવટનો પારદર્શક ચિતાર સેવક નવીનભાઈ ચોપડાએ આપ્યો હતો. દીપ પ્રાગટય બાદ આ ભૂમિમાં સાધના કરનારા વ્યારીસાહેબ, ક્ષેમસાહેબ, ઈશ્વરરામજી, લાલરામજી, ઓધવરામજી, દયાલરામજી, શાંતિરામજી, કરસનરામજી તથા વર્તમાન ગાદીપતિ મોહનદાસજીની ભક્તિ અને સાધક શક્તિનું સેવક વિનોદભાઈ રામજિયાણીએ વર્ણન કર્યું હતું. આ પ્રસંગે પાટીદાર સમાજના નવીનભાઈ ચોપડા, ધર્મેન્દ્રભાઈ, ભાનુશાલી સમાજના પ્રમુખ દામજીભાઈ, ગોવિંદભાઈ, શંભુદાનભાઈ, પરેશભાઈ, લખમશીભાઈ, સેવકો જયંતીભાઈ રામાણી, હરેશભાઈ, અનિલ માકાણી, મહેન્દ્ર રામાણી, જયંતી ઉકાણી, ખેગુભા સોઢા, કરસનજી સોઢા, નારણજી ભગત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા અને કચ્છના ભાવિકોની મોટી હાજરી વચ્ચે યોજાયેલી આ બેઠકમાં તમામ ભાવિકો આશ્રમમાં ચાલતા સેવાકાર્યોથી પ્રભાવિત થયા હતા. આશ્રમની ગૌશાળામાં અત્યારે 80 જેટલી ગાયો છે. દાતાઓના સહયોગથી નિત્ય નીરણ કરવામાં આવે છે. આશ્રમમાં યાત્રાળુઓને ઓટલો, રોટલો અને મીઠો આવકારો અપાય છે. વર્તમાન મહંતે જણાવ્યું હતું કે, આગામી ગુરુપૂર્ણિમાએ આશ્રમમાં આવેલા દેવી-દેવતાઓ અને સંતોના મંદિરોનું પુન:નિર્માણ શરૂ કરાશે, જેનું તે દિવસે ખાતમુહૂર્ત થશે. આશ્રમનું સુચારુ સંચાલન નવીનભાઈ ચોપડા, વિનોદભાઈ રામજિયાણી, તુષાર રામાણી, અનિલભાઈ નવીન ગોરાણી વગેરે સંભાળતા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Janmadin Vishesh Purti

Panchang