નવી દિલ્હી, તા. 17 : વર્શિપ
એક્ટ મામલામાં વધતી હસ્તક્ષેપ અરજીઓ ઉપર સુપ્રીમ કોર્ટ દ્વારા ચિંતા વ્યક્ત
કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ પીવી સંજય કુમારની બેંચે આવી
અરજીઓને સીમિત કરવાની જરૂરીયાત ઉપર ભાર મુક્યો હતો. બેંચે કહ્યું હતું કે
હસ્તક્ષેપ અરજી દાખલ કરવાની પણ એક સીમા હોય છે. હવે આજે તેઓ પૂજા સ્થળ અધિનિયમ
મામલે સુનાવણી કરશે નહીં. આ ત્રણ ન્યાયાધીશની બેંચનો મામલો છે. ઘણી બધી અરજીઓ દાખલ
કરવામાં આવી છે. અરજીને માર્ચમાં કોઈ એક દિવસે સૂચીબદ્ધ કરવામાં આવશે. વધુમાં એમ
પણ કહ્યું હતું કે જેના ઉપર નોટિસ જારી થઈ નથી તેવી અરજી ઉપર હવે સુનાવણી કરવામાં
આવશે. સીજેઆઈએ કહ્યું હતું કે અલગ આધાર સાથે જ હસ્તક્ષેપ અરજી દાખલ કરી શકાશે. 1991નો
પૂજા સ્થળ અધિનિયમ 15 ઓગસ્ટ 1947ના સ્થાપિત ધાર્મિક સ્થળ અને
તેના સમય તેમજ સ્વરૂપને યથાવત રાખવાની જોગવાઈ કરે છે. સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
વિભિન્ન રાજકીય દળ અને નેતાઓ તરફથી દાખલ કરવામાં આવેલી હસ્તક્ષેપ અરજી આધારિત છે.
જેમાં કોંગ્રેસ, સીપીઆઈ (એમએલ), એઆઈએમઆઈએમ વગેરે સામેલ છે. આ દળોએ
પૂજા અધિમિયની જોગવાઈને પડકાર આપતી અરજીઓનો વિરોધ કર્યો છે. શીર્ષ અદાલતે 12 ડિસેમ્બર
2024ના
આદેશ મારફતે વિભિન્ન હિંદૂ પક્ષ તરફથી દાખલ લગભગ 18 મુકદમાની કાર્યવાહીને રોકી દીધી
હતી. જેમાં 10 મસ્જિદના મૂળ ધાર્મિક ચરિત્રની ભાળ મેળવવા માટે સર્વેની માગ
થઈ હતી. આ મામલામાં વારાણસીમાં જ્ઞાનવાપી,
મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદ અને સંભલમાં શાહી જમા મસ્જિદ સામેલ છે.