• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

દૂધના ડબ્બા અને પ્રેશર કૂકર પર 12 ટકા જીએસટી

નવી દિલ્હી, તા. 22 : નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં આજે એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં પહેલીવાર જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી. આ બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે, આજની બેઠકમાં વ્યાપારને આસાન બનાવવા અને કરદાતાઓને રાહત આપવા માટે અનેક મહત્ત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. આ ફેંસલાથી વ્યાપારીઓ, એમએસએમઈ અને કરદાતાઓને લાભ થશે. તમામ પ્રકારના કાર્ટન બોક્સ પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 12 ટકા અને પ્રેશર કૂકર ઉપર 12 ટકા જીએસટી દરની ભલામણ પરિષદ દ્વારા કરવામાં આવી છે. જો કે, ખેડૂત સમુદાયની જેની આશા હતી તે ખાતર પર પાંચ ટકા જીએસટી માફ કરાયો નથી. જીએસટીની બેઠક ઉપરાંત આજે નાણામંત્રીએ બજેટ પૂર્વેની ચર્ચા માટે રાજ્યોના નાણામંત્રીઓ અને મુખ્યમંત્રીઓ સાથે પણ બેઠક યોજી હતી. કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું હતું કે, આજે કાઉન્સિલે જીએસટી એક્ટની સેક્સન 73 હેઠળ જારી કરવામાં આવેલી ડિમાન્ડ નોટિસ ઉપર વ્યાજ અને દંડ માફ કરવાની ભલામણ કરી છે, જેમાં છેતરપિંડી, દમન કે ખોટી જુબાની સંબંધિત કેસ સામેલ નથી. જીએસટીમાં વર્ષ 2017-'18, 2018-'19, 2019-'20ની પેનલ્ટી અને વ્યાજ નહીં દેવા પડે. જો કે, જેમાં ફ્રોડ નથી થયો તેમાં જ આ બાબત લાગુ થશે. આમાં પણ શરત એવી છે કે, ટેક્સની મૂળ રકમની ચૂકવણી કરવી પડશે. નાણા કરદાતાઓને ફાયદો આપવા માટે જીએસટીઆર ચાર ફાઈલ કરવાની સમયમર્યાદા 30 જૂન કરવામાં આવી છે. જીએસટીઆર - એકમાં બદલાવની સુવિધા આપવામાં આવી છે. જીએસટીઆર એક-એ નામે નવું ફોર્મ લાવવામાં આવશે. આ ઉપરાંત જીએસટી પરિષદે દૂધના સ્ટીલ, લોખંડ અને એલ્યુમિનિયમ નિર્મિત તમામ ડબ્બાઓ ઉપર 18 ટકામાંથી એક સમાન 12 ટકાના દરના જીએસટીની ભલામણ કરી છે, જ્યારે પેપર બોર્ડ સહિતના તમામ કાર્ટન ઉપર 12 ટકાની ભલામણ પણ કરવામાં આવી છે. આ નિર્ણયથી હિમાચલ અને જમ્મુ-કાશ્મીરના સફરજન ઉત્પાદકો અને ઉદ્યોગને સીધો ફાયદો થશે. આ ઉપરાંત સ્પ્રિંકલર ઉપર 12 ટકા જીએસટી લાગશે. તમામ સોલાર કૂકર ઉપર પણ 12 ટકા જીએસટીની ભલામણ સમિતિએ કરી છે. આ સિવાય ભારતીય રેલવે દ્વારા સામાન્ય માણસોને અપાતી સેવાઓ, પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ, રિટાયરિંગ રૂમ, પ્રતીક્ષા કક્ષ, ક્લાસ રૂમ સેવાઓ, બેટરી ચલિત સેવાઓને જીએસટીમાંથી છૂટ આપવામાં આવી રહી છે. શૈક્ષણિક  સંસ્થાનોના બહારના છાત્રો માટે છાત્રાવાસોને પણ છૂટ આપવામાં આવી રહી છે. આવાસ સેવાઓની અપૂર્તિનું મૂલ્ય પ્રતિવ્યક્તિ પ્રતિમાસ 20,000 રૂપિયા સુધી છે. આ સેવાઓ ઓછામાં ઓછા 90 દિવસની નિરંતર અવધિ માટે અપૂર્તિ કરવામાં આવે છે. જીએસટી દરોને તર્કસંગત બનાવવા માટે ગઠિત જીઓએમ આગામી બેઠકમાં સ્થિતિ હેવાલ પ્રસ્તુત કરશે. દરોને તર્કસંગત બનાવવા માટે ગઠિત ગ્રુપ ઓફ મિનિસ્ટરની અધ્યક્ષતા બિહારના ઉપમુખ્યમંત્રી કરશે. છેલ્લી જીએસટી કાઉન્સિલની બેઠક 7 ઓક્ટોબર 2023ના મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang