• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

`એનટીએ'ના વડાને રૂખસદ ; સુધાર માટે ઉચ્ચ સમિતિ

સુબોધનાં સ્થાને ખરોલાને સુકાન

નવી દિલ્હી, તા. 22 : `નીટ' પરીક્ષામાં પેપર લીક અને ગરબડ, ગેરરીતિના અપરાધોથી દેશભરમાં મચેલી ભારે બબાલ વચ્ચે ચોમેરથી ટીકા, પ્રહારોનો સામનો કરતી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે શનિવારે એક ધરખમ નિર્ણય લેતાં રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (એનટીએ)ના મહાનિર્દેશક સુબોધકુમારને હટાવી દીધા હતા. ભારે વિવાદ વચ્ચે આજે રાત્રે નવ વાગ્યે મોટો ફેંસોલો લેતાં સરકારે સુબોધને પદ પરથી હટાવી, તેમના સ્થાને પ્રદીપસિંહ ખરોલાને નવા મહાનિર્દેશક બનાવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી પર નીટ પેપર લીક અને નેટની પરીક્ષાઓમાં પણ આવી ગરબડના અહેવાલો બાદ સતત સવાલો ઊઠી રહ્યા હતા. આ પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાને લેતાં સરકારે આ મોટી કાર્યવાહી કરી છે. એનટીએના નવા મહાનિર્દેશક પ્રદીપસિંહ ખરોલા કર્ણાટક કેડરના 1985 બેચના નિવૃત્ત આઈએએસ અધિકારી છે. ઈન્ડિયન ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશનના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ખરોલાને પહેલી મે, 2024ના દિવસે સ્ટાફ સિલેકશન કમિશનના અધ્યક્ષનો વધારાનો પ્રભાર સોંપાયો હતો. કેન્દ્રની સરકાર વિદ્યાર્થીઓના હિત માટે પ્રતિબદ્ધ છે તેવી ખાતરી આ પગલાં સાથે અપાઈ હતી.

હવે આજે આયોજિત નીટ-પીજી પરીક્ષા સ્થગિત

નવી દિલ્હી, તા. 22 (પીટીઆઈ) : નીટ સહિતની પરીક્ષાઓમાં ગરબડો-ગેરરીતિઓને લઈને સરકાર પર પ્રહારો થઈ રહ્યા છે, ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, તાજેતરમાં વિવિધ સ્પર્ધાત્મક અને પ્રવેશ પરીક્ષાઓની સત્યનિષ્ઠા પર થઈ રહેલા આક્ષેપોને ધ્યાનમાં રાખી 23 જૂને યોજાનારી નીટ-પીજી (અનુસ્નાતક તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવાતી પરીક્ષા)ને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ વધુ એક પરીક્ષા મુલતવી રહેતાં વિદ્યાર્થીઓમાં નારાજી ફેલાઈ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, તબીબી વિદ્યાર્થીઓ માટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (એનટીએ) દ્વારા લેવાતી નીટ-પીજી પરીક્ષાની પ્રક્રિયાઓની મજબૂતીનુ સંપૂર્ણ?મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું છે. પરીક્ષાની નવી તારીખ વહેલામાં વહેલી તકે સૂચિત કરવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે, વિધાર્થીઓને થયેલી અસુવિધા માટે અમને ખરેખર ખેદ છે. આ નિર્ણય વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ હિતમાં અને પરીક્ષા પ્રક્રિયાની પવિત્રતા જાળવવા માટે લેવામાં આવ્યો છે.

પરીક્ષાને પારદર્શક-નિષ્પક્ષ બનાવાશે

નવી દિલ્હી, તા. 22 : `નીટ' પેપર લીકના આક્ષેપોથી અને ગરબડોને લઇને ચોમેર ઘેરાયેલી સરકારે પરીક્ષા પ્રક્રિયા સુધારવા ડેટા સુરક્ષાના નિયમમાં અને `નેશનલ ટેસ્ટિંગ એજન્સી' (એન.ટી.એ.)નાં માળખાંમાં સુધારો કરવા વિશેષજ્ઞોની નવી ઉચ્ચકક્ષાની સમિતિ રચી છે, જે કસોટીઓને પારદર્શક અને નિષ્પક્ષ બનાવશે, જેને `ડો. રાધાકૃષ્ણન સમિતિ' નામ આપવામાં આવ્યું છે. આ ઉચ્ચસ્તરીય કમિટીમાં અધ્યક્ષ પદે ઇસરોના પૂર્વ ચેરમેન ડો. રાધાકૃષ્ણન કાર્યભાર સંભાળશે તથા સમિતિની યાદીમાં સભ્ય તરીકે `એઇમ્સ'ના જાણીતા પૂર્વ ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાનો પણ સમાવેશ થયો છે. આ સમિતિમાં સાત સભ્ય જોડાશે, જેમાં રાધાકૃષ્ણન અને એઇમ્સના ડો. ગુલેરિયા ઉપરાંત વી.સી. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ અમદાવાદના પ્રોફેસર બી.જે. રાવ, નિવૃત્ત પ્રોફેસર આઇ.આઇ.ટી.-મદ્રાસના રામામૂર્તિ, કર્મયોગી ભારતના પીપલ સ્ટ્રોંગ મેમ્બરના કો-ફાઉન્ડર પંકજ બંસલ, દિલ્હી આઇ.આઇ.ટી. સ્ટૂડન્ટ અફેયર્સ ડીનના સભ્ય પ્રોફેસર આદિત્ય મિત્તલ, શિક્ષણ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી ગોવિંદ જાયસવાલ જોડાશે. આ સમિતિ બે મહિનાની અંદર શિક્ષણ મંત્રાલયને અહેવાલ સોંપશે. એન.ટી.એ. ભૂમિકાની પણ આ સમિતિ દ્વારા તપાસ કરવામાં આવશે. શિક્ષણ મંત્રાલયના એક નિવેદન મુજબ ઉચ્ચકક્ષાની સમિતિ પરીક્ષા પ્રક્રિયાનું સંપૂર્ણ વિશ્લેષણ કરશે અને પરીક્ષા પ્રણાલીમાં આવશ્યક સુધારાઓ કરવાના ઉપાય સૂચવશે. આ સાથે પેનલ એન.ટી.એ.ના હાજર માહિતી સુરક્ષા પ્રક્રિયા અને કાયદાનું મૂલ્યાંકન કરશે તથા તેમાં સુધારા કરશે અને એન.ટી.એ.ના દરેક સ્તરના પદાધિકારીઓની પણ તપાસ કરશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang