• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

સુસવાટા મારતા પવને સર્જયો ધૂંધળો માહોલ

ભુજ. તા. 26 : કચ્છમાં છૈલ્લા બે દિવસથી ફૂંકાતા સુસવાટા મારતા પવનના લીધે ધૂંધળો માહોલ છવાવવા સાથે આખા જિલ્લા પર જાણે ધુળનું આવરણ છવાયું હોય તેવો માહોલ ખડો થવા પામ્યો છે. હજુ બે દિવસ આ વેગીલો વાયરો ફૂંકાવાનું જારી રહેવા સાથે પવનની ગતિ મંદ પડતાં જ પુન:એકવાર મહત્તમ પારો ઊંચકાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવવી છે. સર્કયુલેશન અને પશ્ચિમી વિક્ષોભની અસરથી પવનની ઝડપ વધી હોવાનું હવામાન નિષ્ણાતો દ્વારા જણાવાયું હતું. રોહિણી નક્ષત્રના આરંભથી શરૂ થયેલા વેગીલા વાયરાએ સતત બીજા દિવસે પોતાની હાજરી પુરાવી હતી. જિલ્લા મથક ભુજ સહિતના વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં બસ ધુળનું સામ્રાજય છવાયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. આભમાં વાદળોની આવન જાવન પણ જોવા મળી હતી. જિલ્લા મથક સરેરાશ 12 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનની ઝડપ બપોરના સમયે 20થી 22 કિલોમીટર સુધી પહોંચી જતાં વ્યાપક પ્રમાણમાં ઉડતી ધુળની ડમરી વાહનચાલકો અને રાહદારીઓની કસોટી કરી હતી. અંજાર-ગાંધીધામ સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં સરેરાશ 20થી 30 કિલોમીટરની તેજ ગતિએ પવન ફૂંકાયો હતો. વંટોળિયા વાયરાના કારણે ઘરના બારી-બારણા ઘડાકાભેર ભટકાતા રહ્યા હતા. કંડલા એરપોર્ટમાં 37.2, ભુજમાં 36.2, કંડલા પોર્ટમાં 34.8 અને નલિયામાં 34.6 ડિગ્રીએ તાપમાં તો રાહત રહી પણ 28થી 29 ડિગ્રી જેટલા ઊંચા લઘુતમ તાપમાને ભારે બફારો અનુભવાયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang