હૈદરાબાદ, તા. 19 : ચૂંટણી જાહેર થવાથી લઇને પરિણામો જાહેર ન થાય ત્યાં સુધી અમુક બેઠકો પોતાના ઉમેદવારોને લીધે ચર્ચામાં રહે છે. એવી જ એક લોકસભા બેઠક હૈદરાબાદની છે. હૈદરાબાદ બેઠક ચાર દાયકા જેટલા સમયથી ઓવૈસી પરિવાર પાસે છે. આ વખતે ભાજપે તેમની સામે માધવી લતાને ઉતાર્યા છે. હૈદરાબાદ બેઠકથી એઆઇએમઆઇએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી ચાર વખત સાંસદ બન્યા છે. આ બેઠક પર ઓવૈસીના પિતા સુલ્તાન ઓવૈસી વર્ષ 1984થી 2004 સુધી સાંસદ રહ્યા હતા. સાત વિધાનસભા બેઠકવાળી હૈદરાબાદ લોકસભા બેઠકમાં 19 લાખ જેટલા મતદાર છે, પણ 2024ની ચૂંટણીમાં આ બેઠક પર ભાજપ દ્વારા મેદાનમાં ઉતારેલા ઉમેદવાર માધવી લતાને લીધે પણ આ બેઠક ચર્ચામાં છે. માધવી લતાએ હાલમાં જ એક ટીવી કાર્યક્રમ આપ કી અદાલતમાં રજત શર્માથી વાત કરી હતી. આ ઇન્ટરવ્યૂમાં માધવી લતાની પ્રશંસા કરતાં વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ જાહેર કરી હતી. ભાજપની ટિકિટ મળવા પહેલાં માધવી લતા વિશે લોકો પ્રમાણમાં ઓછું જાણતા હતા. ભાજપે ઓવૈસી વિરુદ્ધ લતાને શા માટે પસંદ કર્યા એ વિશે સવાલો ઊઠયા હતા. મીડિયા પ્રતિનિધિઓ મુજબ હૈદરાબાદમાં રહેતા માધવી લતા 49 વર્ષના છે. તેમના પિતા મિલિટરી ઇન્જિનીયરિંગ સર્વિસમાં સ્ટોર ઇન્ચાર્જ હતા. માધવી લતા એક સારા વક્તા તરીકે પણ જાણીતા છે. સનાતન વિરુદ્ધ આક્રમક રહેવાવાળા અસદુદ્દીન ઓવૈસીના પરિવારનો 40 વર્ષ જૂનો રાજકીય કિલ્લો ભેદવા ભાજપે તેમને મેદાનમાં ઉતારી ઓવૈસીના કિલ્લાને ભેદવાનો પ્રયત્ન કર્યો છે. માધવી લતા કટ્ટર હિન્દુવાદી હોવા છતાં મદરેસાઓની મદદ કરે છે. તેઓ માને છે કે મનુષ્યથી મોટો કોઇ ધર્મ નથી, પણ સનાતન વિરુદ્ધ અનાવશ્યક બયાનબાજીવાળાને સાંખી લેશે નહીં.