ગાંધીધામ, તા. 25 : દીનદયાલ પોર્ટમાં ખાનગીકરણ અભિગમ સામે વિરોધ દર્શાવવા માટે કંડલા પોર્ટ ટ્રસ્ટ કર્મચારી સંઘ ઈન્ટુક દ્વારા બે દિવસીય બેઠક યોજાઈ હતી, જેમાં આંદોલનની રણનીતિ સંદર્ભે ચર્ચા વિચારણા કરાઈ હતી. યુનિયન પ્રમુખ મોહનભાઈ આસવાણીએ યાદીમાં જણાવ્યું હતુ કે ડીપીએના મરીન અને મિકેનીકલ વિભાગના કર્મચારીઓ દ્વારા યુનિયનને ખાનગીકરણની પધ્ધતિથી છુટકારો અપાવવા માટે રજૂઆત કરાઈ હતી, જેને લઈને મરીન ભવન ખાતે મરીન અને મિકેનીકલ વિભાગના કામદારોની હાજરીમાં બેઠક યોજાઈ હતી, જેમાં પોર્ટમાં લોંચો અને ટગોને ઉભા રાખીને ખાનગી ક્રાફટને ઉપયોગમાં લઈને પોર્ટને મોટું આર્થિક નુકસાન કરાતુ હોવાના ગંભીર આક્ષેપ ભર્યા મુદા ગાજયા હતા.અમુક અધિકારીઓ દ્વારા અમુક કંપનીઓ અને ઠેકેદારો માટે કાર્ય કરવાની એક નવી યોજના હેઠળ કાર્ય કરવાનું ચાલુ કર્યુ છે. મરિન, સી.એમ.ઈ. અને ટ્રાફિક વિભાગમાં મોટા પાયે ખાનગીકરણ અને ઠેકેદારી પ્રથા ઉપર મોટા કાર્યો આપી દેવામાં આવ્યા છે. આ પહેલા આ કામો કામદારો પાસે કરાવવામાં આવતા હતા. મરીન લોંચો અને ટગો ક્રેન સહિતના સાધનો કરોડો રૂપિયા ખર્ચી વિકસાવેલ છે. જેની સામે ખાનગી પાર્ટીઓની મશીનરીનો ઉપયોગ કરી કામદારો હકાલપટ્ટી કરવા માટે નવી પધ્ધતી ચાલુ કરાઈ છે. ડીપીએના બોર્ડમાં પણ યુનિયનના ટ્રસ્ટીની નિમણૂક ન કરવા મુદે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.આ સ્થિતિમાં યુનિયન દ્વારા તા.4/6ના કારોબારી બેઠક યોજવામાં આવશે. મરિન અને મિકેનીકલ વિભાગના કામદારો કંડલા અને ગાંધીધામ કચેરીમાં મોટી સંખ્યામાં હાજર રહી ધરણા અને સુત્રોચ્ચાર કરશે અને ખાનગી લોંચો અને ટગોનો બહિષ્કાર કરશે. આ બેઠક બાદ આંદોલનનો કાર્યક્રમ જાહેર કરશે.પોર્ટના અને કામદારોના વિવિધ મુદે સકારાત્મક પરીણામ નહીં સાંપડે તો શિપીંગમંત્રી તથા સચિવ સહિતના સમક્ષ એક પ્રતિનિધી મંડળ દિલ્હી રજુઆત કરાશે તેવુ ઉપપ્રમુખ રાણાભાઈ વિસરીયા, મહામંત્રી નારીભાઈ રામદાસાણીએ એક યાદીમાં જણાવ્યુ હતું.