• શનિવાર, 27 જુલાઈ, 2024

રામદેવની માફી સુપ્રીમને નામંજૂર

નવી દિલ્હી, તા. 2 : ભ્રામક વિજ્ઞાપનોના કેસમાં આજે યોગ ગુરુ રામદેવ, પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડાયરેક્ટર આચાર્ય બાલકૃષ્ણ સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. અદાલતે નારાજી દર્શાવીને જણાવ્યું હતું કે, કોર્ટના આદેશોને હળવાશથી લઈ શકાય નહીં. તમારા ખેદ વ્યક્ત કરવાના પ્રકારને અમે મંજૂર કરતા નથી. 10 એપ્રિલે કેસમાં ફરી સુનાવણી થશે. કોર્ટે સરકારને પણ સવાલ કર્યો હતો કે, મામલામાં આંખો  બંધ કરીને કેમ બેઠા છો ?  અદાલતે કહ્યું હતું કે, 21મી નવેમ્બરે કોર્ટના આદેશના આગલા દિવસે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. સુપ્રીમમાં સુનાવણી ચાલતી હતી અને પતંજલિ વિજ્ઞાપનો પ્રકાશિત કરાવતી હતી. અંગે રામદેવના વકીલ બલવીર સિંહે કહ્યું હતું કે, ભવિષ્યમાં એવું નહીં થાય. રામદેવ પણ માફી માગવા માટે અહીં ઉપસ્થિત છે, પણ ભીડને લીધે કોર્ટરૂમમાં આવી શક્યા નથી. અદાલતે સોગંદનામું જોયા બાદ ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે, યોગ્ય એફિડેવીટ નથી. ન્યાયધીશ હિમા કોહલી અને ન્યાયધીશ અમાનતુલ્લાહની ખંડપીઠે કહ્યું હતું કે, આવા મામલાઓમાં અદાલતનું ઉલ્લંઘન કરનારાની માફી સાંભળવાની હોય છે. અમને રામદેવના વકીલની માફી સાંભળવી નથી. સુપ્રીમની ફટકાર બાદ રામદેવ અને બાલકૃષ્ણ કોર્ટમાં આવ્યા હતા અને રામદેવે માફી માગી હતી. અદાલતે એવો પણ સવાલ કર્યો હતો કે, કોરોનાના સૌથી કઠિન સમયમાં પતંજલિ દરેક વિસ્તારમાં જઈને કહેતી હતી કે, એલોપેથીથી કોરોનામાં કોઈ રાહત મળતી નથી, ત્યારે કેન્દ્ર સરકારે શા માટે આંખો બંધ કરી રાખી હતી ? ખંડપીઠે રામદેવને સોગંદનામું દાખલ કરવાની આખરી તક આપી હતી અને કેન્દ્ર તેમજ ઉત્તરાખંડ સરકારનું સોગંદનામું પણ માગ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang