• શનિવાર, 27 જુલાઈ, 2024

સોનામાં લાલચોળ તેજી, 71 હજારને પાર

ભુજ, તા. 1 : વિશ્વની સેન્ટ્રલ બેંકોએ આર્થિક મંદી સામે ખરીદશક્તિ બચાવવા ડોલરના સ્થાને સોનાને અગ્રતા, અમેરિકા-યુરોપ જેવા દેશોમાં વધતો ફુગાવો, યુક્રેન-રશિયા યુદ્ધ તેમજ રાતા સમુદ્રમાં વધતી તંગદિલીના કારણોસર રોકાણકારો સોનામાં ખરીદી કરતાં કિંમતી ધાતુએ આજે 71 હજારના શિખરની સપાટી વટાવતાં લાલચોળ તેજી જોવા મળી હતી. ભારત સહિતની વિશ્વની  રિઝર્વ બેંકો આર્થિક મંદીથી ઝુઝવા સોનું ખરીદી રહી છે, જેના કારણે સોનું રોજેરોજ નવા-નવા શિખરો સર કરી રહ્યું છે. આજે કોમેક્ષ સોનાએ 2265 ડોલરની સર્વોત્તમ સપાટીએ પહોંચ્યા બાદ તેમાં નફારૂપી વેચવાલી આવ્યા બાદ 2253 ડોલર રનિંગ ભાવ રહ્યા હતા. સોનામાં આગળ વધતી લાલચોળ તેજીની સીધી અસર આગામી લગ્નસરાની સિઝન પર પણ જોવા મળી રહી છે અને લોકોની ખરીદશક્તિ ઘટી રહી છે. સોનાના વધતા ભાવો થકી મધ્યમ વર્ગ માટે લગ્ન પ્રસંગે સોનું ખરીદવું દોહ્યલું બની રહ્યું છે, તેમ છતાં ગમે તે રીતે વર્ગ ખરીદી કરતો હોય છે. જાણકારોના મતે ચાલુ વર્ષ દરમ્યાન 2040 ડોલરની સપાટી વટાવેલા સોનામાં 2280થી 2315 ડોલર સુધી જવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ભારતમાંયે 71,050ના સર્વોચ્ચ શિખરે ભાવ જોવા મળી રહ્યા છે. તો સોના પાછળ ચાંદીમાંયે સુધારો જોવા મળ્યો હતો. સ્થાનિક બુલિયન બજારમાં દસ ગ્રામ સોનું 999ના ભાવોમાં વધુ રૂા. 550 વધી રૂા. 71,050 થયા હતા તો ચાંદીમાંયે રૂા. 200નો વધારો થઈ રૂા. 75,500 થયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang