• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

જૂન મહિનાથી વીજમાળખાંમાં મોટો બદલાવ શરૂ

ગિરીશ જોશી દ્વારા ભુજ, તા. 25 : પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા પણ આધુનિકતામાં કદમ મિલાવીને સ્માર્ટ ફોનની જેમ સ્માર્ટ વીજ મીટર લગાડવાની દિશામાં તૈયારીઓ મોટાભાગે પૂર્ણ કરાઈ છે, ત્યારે પહેલાં તબક્કામાં શહેરી વિસ્તારમાં જૂન મહિનાથી પ્રી પેઇડ અને પોસ્ટ પેઇડ સ્માર્ટ વીજ મીટર લગાડવાની યોજનાનો કચ્છમાં પ્રારંભ થઇ રહ્યો હોવાની માહિતી મળી છે, ત્યારે ભુજ અને અંજાર એમ બંને સર્કલ હેઠળના વીજ માળખાં પાછળ રૂા. 520 કરોડનાં ખર્ચે બદલાવ આવી  રહ્યો છે. એક સમય એવો હતો કે, લાઇટ જાય તો કલાકો નહીં દિવસો સુધી અજવાળાની રાહ જોવી પડતી હતી. એ જ વીજ તંત્રે હવે સમય સાથે કદમ મિલાવીને સ્માર્ટ વીજળીનું આયોજન કર્યું છે. આધુનિક વીજ નાખવાના ભાગરૂપે હવે, જ્યારે દરેક વીજ જોડાણમાં સ્માર્ટ મીટર લાગી જશે. તેમાં બે પ્રકારના એટલે કે મોબાઇલથી જેમાં પ્રી પેઇડ કે પોસ્ટ પેઇડ એમ હશે. પ્રી પેઇડમાં આપણે અગાઉથી જે રીતે રિચાર્જ કરાવીએ એ પ્રમાણે વીજળી વાપરી શકશું અને રિચાર્જ પૂરો થતો હશે, તો આગોતરી જાણ પણ કરવામાં આવશે. જ્યારે પોસ્ટ પેઇડવાળાને વીજ બિલ આવશે એ રીતનું આયોજન ગોઠવવામાં આવ્યું છે. એમ તેઓએ જણાવ્યું હતું, રિચાર્જ કરવા માટે ગ્રાહકોને ક્યાં જવાનું, તો આ સવાલ સામે અધિકારીઓએ જણાવ્યું કે, અત્યારે જે રીતે મોબાઇલ રિચાર્જિંગ ગ્રાહકો કરાવે છે એવી તદ્દન સરળ વ્યવસ્થા વીજળી રિચાર્જની પણ ગોઠવાઇ જશે. સૌથી પહેલાં શહેરોમાં આધુનિકીકરણનો પ્રારંભ થશે અને બીજા તબક્કામાં ગ્રામિણ વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવનારી છે એમ તેઓએ જણાવ્યું હતું. આ સિવાય શું ફેરફાર થશે કેમ કે, કચ્છનો ખાસ કરીને લાંબો અને દરિયાઇ વિસ્તાર હોવાથી વરસાદ-વાવાઝોડા વખતે દિવસો સુધી વીજ પુરવઠો ખોરવાયેલો રહે છે. આવા સંજોગોમાં શું કરવામાં આવશે આ સવાલ સામે એમ.ડી. તથા અધીક્ષક ઇજનેર કહે છે કે, ક્ષારના કારણે દરિયાઇ વિસ્તારના વીજરેષા જર્જરિત થઇ ગયા છે, એ વાત સાચી છે, ત્યારે કેન્દ્ર સરકારની આ નવી યોજનામાં 3600 કિ.મી.ના વીજ વાયરો કોટિંગ કરેલા લગાડવામાં આવશે. જ્યાં જે વિસ્તારમાં જરૂર છે ત્યાં કોટિંગ કરેલા વાયરો તેમજ ચોટલા કેબલ વગેરે લગાડવામાં આવશે, જેથી ભવિષ્યમાં લો-વોલ્ટેજ કે ફોલ્ટની સમસ્યામાંથી મુક્તિ મળી શકે. બાકી ભારે વાવાઝોડા વખતે વીજપોલ ધરાસાઇ થઇ જાય તો તેનો ઉકેલ પોલ ઊભા કરવાનો રહેશે. કેમ કે, આપણી પાસે ઓવર હેડ વીજવાયરોની વ્યવસ્થા હોવાથી ત્યાં સુધી થોડું કામ મુશ્કેલ હશે. શહેરોમાં શક્ય હોય ત્યાં અંડર ગ્રાઉન્ડ વીજવાયરોની કામગીરી કરવામાં આવી છે. ઉપરાંત લો-વોલ્ટેજ કે વીજ વપરાશની વધતી ક્ષમતાને ધ્યાને લઇ આગામી વર્ષોમાં આ સમસ્યા ઊભી ન થાય એટલે કચ્છના અંદાજે 90 હજાર ટ્રાન્સફોર્મર ડબલ ક્ષમતાવાળા કરી દેવામાં આવશે. થ્રી ફેઇઝની જે લાઇનો જાય છે ત્યાંના પણ જર્જરિત કેબલ બદલી દેવામાં આવશે. કારણ કે આ એક મોટું કામ છે, પરંતુ કચ્છમાં વર્ષોથી સુધારણાની જરૂર હતી એટલે ભારત સરકારે ક્ષતિ રહિત વીજસેવા આપવાની કરેલી જાહેરાતને પગલે આ આર.ડી.એસ.એસ. યોજના તળે મોટો બદલાવ આવી રહ્યો છે. એ હકીકત છે એમ તેમણે જણાવ્યું હતું. સમગ્ર યોજના પાછળ રૂા. 520 કરોડની ધનરાશી ફાળવવામાં આવી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang