• શનિવાર, 27 જુલાઈ, 2024

વેરાવળ બંદરેથી 350 કરોડનું હેરોઇન ઝડપાયું

વેરાવળ, તા. 23 : આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાંથી ફિશિંગ બોટ મારફતે વેરાવળ બંદરે લઈ આવેલા 50 કિલો હેરોઈન ડ્રગ્સનો જથ્થો જિલ્લા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયો છે. ઝડપાયેલા 50 કિલો ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત 350 કરોડ જેવી થાય છે. પોલીસે ફાશિંગ બોટના ટંડેલ સહિત નવની ધરપકડ કરી છે, જેમાં જામનગરના 2 આરોપીઓ ડ્રગ્સની ડિલિવરી લેવા આવ્યા હતા. તેમનો સમાવેશ ડ્રગ્સની હેરાફેરી રેકેટના પર્દાફાશમાં ટંડેલ પાસેથી મળી આવેલા સેટેલાઇટ ફોનમાં વિદેશમાંથી કોલ આવ્યાનું સામે આવ્યું છે, ત્યારે રેકેટના તાર વિદેશ સુધી જોડાયેલાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, જેથી એટીએસ, એસઓજી, એલસીબી, એનડીપીએસ મરીન પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.  આગામી દિવસોમાં મામલે વધુ ઘટસ્ફોટ થવાની શકયતા વર્તાઈ રહી છે. પર્દાફાશમાં બોટ માલિકની સતર્કતાએ ડ્રગ માફિયાઓના મનસૂબાને નાકામ કર્યાની વિગતો સામે આવી છે. ગુજરાતના સમુદ્રને દેશદ્રોહી પ્રવૃત્તિ માટે ડ્રગ્સ માફિયાઓ નિશાન બનાવી રહ્યા છે, ત્યારે ઘટના ક્રમ અંગે જિલ્લા પોલીસવડા મનોહરાસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપતાં જણાવ્યું હતુ કે, ગઈકાલે અમને બાતમી મળી હતી કે, વેરાવળ બંદર પર ફિશિંગ કરી આવીને લાંગરેલ એક  બોટમાં શંકાસ્પદ નશીલો પદાર્થ આવ્યો છે, જે બાતમીના આધારે એસઓજી પીઆઈ .બી. જાડેજા, પીઆઈ એમ.એન.રાણા, જે.બી. ગઢવીના નેજા હેઠળ તાત્કાલિક જુદી-જુદી ટીમો બનાવી કામે લગાડી હતી. દરમ્યાન પ્રથમ ફાશિંગ બોટમાંથી એક ફોરવ્હીલ કારમાં ડિલિવરી કરાયેલ 25 કિલો હેરોઇન ડ્રગ્સના જથ્થા સાથે જામનગરના આસિફ ઉર્ફે કારા જુસબભાઇ સમા તથા અરબાજ  અનવર પમાની અટક કરી પૂછપરછ કરતાં ફાશિંગ બોટમાં સંતાડેલ વધુ 25 કિલ્લો જથ્થો મળી આવતાં કુલ 50 કિલો હેરોઇન ડ્રગ્સનાં પેકેટોનો જથ્થો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય કિંમત 350 કરોડથી વધુ છે. ફિશિંગ બોટમાંથી એક સેટેલાઈટ ફોન પણ મળી આવ્યો હતો, જેમાં આંતરરાષ્ટ્રીય કોલ પણ આવેલાનું જાણવા મળ્યું હતું. વધુમાં બોટનો ટંડેલ ધર્મેન્દ્ર  બુદ્ધિલાલ કશ્યપ એક વર્ષથી એક વ્યક્તિના વોટ્સએપનાં માધ્યમથી સંપર્કમાં હતો, જેથી ગત તા.26-1-24ના ઓમાનની દરિયાઇ હદમાં ફિશિંગ કરી રહેલા ટંડેલ ધર્મેન્દ્રનો અજાણ્યા શખ્સે કોન્ટેકટ કરીને આશરે 1700  કિલો માછી મફતમાં આપવાની સાથે બે બાચકાં પાર્સલના આપ્યા જે ગુજરાતના બંદરે પહોંચાડવા માટે રૂા.50 હજાર મળશે તેવી લાલચ આપી હતી. બાદમાં બંન્ને બાચકાં લઈ ગતરાત્રિના બોટ વેરાવળ બંદર પહોંચતાં લાંગરી હતી. બાદમાં વોટ્સએપથી મળેલી સૂચના મુજબ ધર્મેન્દ્રની બોટ પાસે આસિફએ મૂકેલી કારમાં એક બાચકું મૂકી દીધું હતુ. જો કે, રૂા. 50 હજાર આપ્યા હોવાથી બીજું બાચકું બોટમાં સંતાડી દીધું જે પણ બાદમાં કબ્જે કરવામાં આવ્યું હતું.  જામનગરથી કારમાં ડ્રગ્સના જથ્થાની ડિલિવરી લેવા આવેલા આસિફ જામનગર-રાજકોટ વચ્ચે ઈકો કાર ચલાવી ડ્રાઈવિંગનો ધંધો કરે છે. તેના સંપર્કમાં રહેલા એક પેસેન્જર શખ્સે બે વર્ષ પહેલાં એક પાર્સલ માળિયા મિંયાણા ખાતે ડિલિવરી કરવા માટે આપ્યું જેના બદલામાં રૂા. 20 હજાર આપ્યા હતા. પેસેન્જરએ ગઈકાલે આસિફનો વોટ્સએપ કોલ મારફતે કોન્ટેકટ કરી એક પાર્સલ વેરાવળથી લઈને રાજકોટ મૂકવા જવાનું જણાવી ટ્રીપના રૂા. 50 હજાર આપવાનું જણાવ્યું હતું, જેથી આસિફ તેના મિત્ર અરબાઝ સાથે પોતાના શેઠની કાર લઈને પાર્સલ લેવા વેરાવળ બંદરે આવ્યા હતા. ત્યારે ટંડેલએ આપેલા પાર્સલ લઈને હજુ જતા હતા ત્યાં પકડી લેવાયા હતા. રેકેટના પર્દાફાશમાં ઓપીએટ ડેરિવેટિવ (મોર્ફીન, હેરોઇન, કોકેઇન)ના જથ્થાનું કુલ વજન-50015 ગ્રામ જેની કુલ કિં. રૂા. 350 કરોડ, ફિશિંગ બોટ કિં. રૂા.10 લાખ, મારુતિ કાર રજી.નં. જી.જે.-03-એસી-7697 કિં. રૂા. 50 હજાર, 3 મોબાઇલ ફોન, એક સેટેલાઇટ મળી કુલ રૂા. 350 કરોડ, 18 લાખ, 12 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જથ્થાની સાથે મુખ્ય આરોપીઓ આસિફ ઉર્ફે કારા જુસબભાઇ સમા .. 24, રહે. બેડેશ્વર, હાઉસિંગ બોર્ડ, રૂમ નં.-40, અરબાજ અનવર પમા (..23) રહે. ગુલાબનગર, ગૌષિયા મસ્જિદ પાસે, જામનગરવાળા તથા ધરમેન બુદ્ધિલાલ કશ્યપ (.. 30), રહે. મહમદપુર નરવાલ, જિ. કાનપુર-ઉતરપ્રદેશવાળાની અટક કરી છે. જ્યારે અનુજ મુકેશ કશ્યપ, અમન શ્રી દિનાનાથજી કશ્યપ, રજ્જનકુમાર ભગવાનદીપ મીસાર, વિષ્ણુ શંકરનિસાદ નીસાર, રોહિત સુખુભાઇ નિશાર, રાહુલ ગોરેલાલ કશ્યપ/ગૌડ તમામ રહે. કાનપુર, ઉત્તરપ્રદેશવાળાઓએ રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. મામલે હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે. ડ્રગ્સ કૌભાંડના તાર કયા કયાં દેશો સાથે જોડાયેલ છે તે તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang