• શનિવાર, 27 જુલાઈ, 2024

પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટશે નહીં

નવી દિલ્હી, તા. 22 : ચૂંટણીના વર્ષમાં પેટ્રોલ ડીઝલ સસ્તાં થવાની આશા ઉપર પાણી ફરી વળે તેમ છે. ભારતની કંપનીઓને રશિયાથી મળી રહેલું ક્રૂડ હવે સસ્તું રહ્યું નથી. લાલ સાગરમાં હુતીઓના આતંકથી ફ્રેટ રેટ્સ વધી ગયા છે. સાથે અમેરિકી પ્રતિબંધોના કારણે ભારત આવી રહેલા રશિયાના અમુક જહાજ ફસાયાં છે. આથી ભારતની ક્રૂડ કંપનીઓ માટે રશિયાનું ક્રૂડ મોંઘું બની ગયું છે. તેવામાં અમુક કંપનીઓને મધ્ય પૂર્વમાંથી મોંઘુ ક્રૂડ ખરીદવું પડી શકે છે. દેશમાં છેલ્લા 21 મહિનાથી પેટ્રોલ ડીઝલની કિંમતમાં કોઈ બદલાવ આવ્યો નથી. એપ્રિલ 2022માં ઓયલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ  ડીઝલની કિંમતમાં બદલાવ કર્યો હતો જ્યારે મે મહિનામાં કેન્દ્રએ પેટ્રોલ ઉપર એક્સાઇઝમાં કાપ મૂક્યો હતો. ભારત પોતાની જરૂરિયાતના 88 ટકા ક્રૂડ આયાત કરે છે. યુક્રેન ઉપર રશિયાના હુમલા બાદ દુનિયાના ઘણા દેશોએ રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું બંધ કરી દીધું છે ત્યારે રશિયાએ ભારત અને ચીનને સસ્તામાં ક્રૂડ વેચવાની શરૂઆત કરી હતી. જેનાથી ઓયલ માર્કેટ કંપનીઓની નેટ ઇન્કમ ફરી ટ્રેક ઉપર આવી હતી. જો કે હવે ફરીથી દબાણ વધવાની શરૂઆત થઈ છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર  કેયરએજ ગ્રુપના ડાયરેક્ટર હાર્દિક શાહે કહ્યું છે કે હાયર ફ્રેટ રેટના કારણે ઓયલ માર્કેટિંગ કંપનીઓના ગ્રોફ રિફાઇનિંગ માર્જિનમાં છેલ્લા ત્રિમાસિક ગાળમાં ઘટાડો આવ્યો છે. સરકારી કંપની દેશમાં પેટ્રોલ ડીઝલનું વેચાણ કરે છે અને તેને વિદેશમાં વધારે કિંમતનો ફાયદો મળતો નથી. બીજી તરફ રિલાયન્સ જેવી મોટી કંપનીઓ નિકાસથી વધુ રૂપિયા કમાય છે. મામલે ઇન્ડિયન ઓયલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમે કોઈ ટિપ્પણી કરી નથી. અહેવાલ અનુસાર જ્યાં સુધી ક્રુડની કિંમત 90 ડોલરની નીચે રહેશે ત્યાં સુધી એકંદર નફાનો ગાળો પ્રતિ બેરલ 10 ડોલર આસપાસ રહી શકે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang