• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

નીતીશકુમાર `વિશ્વાસ મત'ની અગ્નિપરીક્ષામાં સફળ

પટણા, તા. 12 : છેલ્લા 14 દિવસથી દેશભરમાં ચર્ચા, કાવા, દાવા, રાજકીય રસ્સાખેંચના અંતે આખરે આજે સોમવારે બિહારની વિધાનસભામાં નીતીશકુમારની સરકાર વિશ્વાસ મતની અગ્નિપરીક્ષામાં સફળતાપૂર્વક પાર પાડી હતી. મતદાન શરૂ થવાથી પહેલાં   વિપક્ષ વોકઆઉટ કરી ગયા પછી નીતીશનાં સમર્થનમાં 129 મત પડયા હતા અને વિપક્ષમાં એક પણ મત પડયો હતો. અગાઉ વિશ્વાસ મત પ્રસ્તાવ પર ચર્ચા દરમ્યાન ગૃહમાં મુખ્યમંત્રી બોલવા માટે ઊભા થતાંની સાથે રાજદના ધારાસભ્યો હંગામો કરવા લાગ્યા હતા. નીતીશે ગુસ્સાભેર કહ્યું હતું કે, મને કોઈ સાંભળવા માગતા નથી તો મતદાન કરાવો. તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે `ખેલા' કરનારા અને ધારાસભ્યોને ગાયબ કરનારાઓને અમે છોડવાના નથી. વિશ્વાસ મત પૂર્વે સ્પીકર અવધ બિહારી ચૌધરીને અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરી હટાવી દેવાયા હતા. પ્રસ્તાવના પક્ષમાં 125 મત ને વિરોધમાં 112 મત પડયા હતા.  બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ સુશીલ કુમાર મોદીએ કહ્યું હતું કે, ધારાસભ્યોની સોદાબાજી કરીને `ખેલા' કરવાના દાવપેચને પછાડાટ મળી છે. આખરે 17 મહિનાના રાહુકાળમાંથી ઉગરતાં રાજ્યની જનતા રાહતનો શ્વાસ લઈ શકશે. એકજુટ એનડીએ જોડાણ હેઠળ બહુમત પૂરવાર કરવા બદલ મુખ્યમંત્રી નીતીશકુમારને અભિનંદન સાથે ભાજપ કાર્યાલયમાં પણ જીતની ઉજવણી કરાઈ હતી. બીજી તરફ `ખેલ' ઊંધો પડતાં વ્યથિત પૂર્વ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પ્રહાર કરતાં એવો સવાલ ઊઠાયો હતો કે, મુખ્યમંત્રી ફરી પલટી જશે કે નહીં તે મોદીજીની ગેરંટીવાળા કહેશે ખરા! ભાજપે `ભારતરત્ન'ને સોદો બનાવી નાખ્યો છે. આપ અમારી સાથે આવો અને આપને ભારતરત્ન આપીશું તેવા પ્રહાર  તેજસ્વીએ કર્યા હતા. દરમ્યાન જેડી-યુ ધારાસભ્ય સુધાંશુ શેખરે મહાજોડાણના પક્ષમાં મત આપવા માટે મને 10 કરોડ રૂપિયાની ઓફર કરાઈ હતી તેવા આરોપ સામે એફઆઈઆર નોંધાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang