• શનિવાર, 27 એપ્રિલ, 2024

નવી સંસદનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં

નવી દિલ્હી, તા. 25 : નવા સાંસદ ભવનનાં ઉદ્ઘાટન પર વકરેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. નવા ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિના હસ્તે કરાવવાનો નિર્દેશ આપવાની માંગ કરતી અરજી ટોચની અદાલત સમક્ષ કરાઈ છે. સુપ્રીમ આવતીકાલે સુનાવણી કરશે. કુલ્લ 40 પક્ષમાંથી કોંગ્રેસ સહિત 21 પક્ષે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું છે, તો બીજી તરફ ભાજપ સહિત 17 પક્ષે ઉદ્ઘાટન સમારોહના સરકારના આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે. એક અરજદારે સર્વોચ્ચ અદાલત સમક્ષ અરજી કરતાં કહ્યું હતું કે, લોકસભા સચિવાલયે ઉદ્ઘાટન માટે રાષ્ટ્રપતિને આમંત્રિત નહીં કરીને બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતા જયરામ રમેશે એવા પ્રહાર કર્યા હતા કે, આ એક વ્યક્તિના અહંકાર અને આત્મપ્રચારની ઈચ્છા છે, જેણે દેશનાં પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિને બંધારણીય વિશેષાધિકારીથી વંચિત રાખ્યા છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, નવી સંસદ પર નિવેદનબાજી કરવી યોગ્ય નથી. વિપક્ષ માત્ર રાજનીતિ રમે છે. આ બેજવાબદાર વલણ છે. ભાજપ ઉપરાંત શિવસેના (શિંદેજૂથ), શિરોમણિ અકાલીદળ, તમિલ મનીલા કોંગ્રેસ, અપના દલ, તેલુગુ દેશમ પાર્ટી, વાયએસઆર કોંગ્રેસ, આરપી (આઠવલે), બીજેડી, એઆઈએડીએમકે, જેજેપી સહિત પક્ષો ઉદ્ઘાટન પ્રસંગમાં સામેલ થશે. નવા સંસદભવનનાં વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટનને સમર્થન આપતાં પક્ષોનું લોકસભામાં 60.82 ટકા, રાજ્યસભા 46.86 ટકા પ્રતિનિધિત્વ છે, તો વિરોધ કરતા પક્ષોનું લોકસભામાં 26.38 ટકા, રાજ્યસભામાં 38.23 ટકા પ્રતિનિધિત્વ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang