• બુધવાર, 22 મે, 2024

ધો. 10 પરિણામમાં કન્યાઓની કમાલ

રાજ્યની 272 શાળા 100 ટકા સફળ - અમદાવાદ, તા. 25 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-10નું પરિણામ 64.62 ટકા જાહેર કરવામાં આવ્યું છે. જે ગત વર્ષની સરખામણીમાં સામાન્ય નીચું છે. ગત વર્ષે ધોરણ 10માં કુલ વિદ્યાર્થીઓનું પરિણામ 65.18% પરિણામ આવ્યું હતું. જેમાં આ વર્ષે પણ ફરી સુરતે બાજી મારી છે. સુરત જિલ્લાનું સૌથી વધુ પરિણામ 76.45 ટકા છે. ત્યારે મોરબી જિલ્લો 75.43 ટકા સાથે બીજા નંબરે આવ્યો છે. જ્યારે સૌથી ઓછુ પરિણામ દાહોદ જિલ્લાનું 40.75 ટકા આવ્યું છે. ગત વર્ષે 2022માં પણ સૌથી વધુ પરિણામ ધરાવતા જિલ્લામાં સુરતે બાજી મારી હતી. કેન્દ્ર પ્રમાણે જોઇએ તો, સૌથી વધુ પરિણામ 95.92 ટકા ધરાવતું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર છે. જ્યારે સૌથી ઓછું પરિણામ 11.94 ટકા ધરાવતું કેન્દ્ર નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર છે.   આ વર્ષે ગુજરાત બોર્ડની ધોરણ-10ની પરિક્ષા કુલ 958 કેન્દ્ર પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં કુલ 9.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા. જેમાં  નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા 734898 હતી, જ્યારે પુનરાવર્તિત વિદ્યાર્થીઓની સંખ્યા 158623 હતી. ઉપરાંત 3791 દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ 101 જેલના કેદીઓએ પણ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. આજે સવારે સવારે 8 વાગ્યે જાહેર થનારું પરિણામ 7:45 વાગ્યે 15 મિનિટ વહેલુ જાહેર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ વેબસાઈટ |||.લતયબ.જ્ઞલિ પરથી અને વોટ્સએપ નંબર 63573 00971 પર પોતાનો બેઠક નંબર સેન્ડ કરીને પોતાનું પરિણામ જાણી શકયા હતા.આ વર્ષના પરિણામ છોકરીઓએ બાજી મારી છે. છોકરાઓના પરિણામ કરતાં 11 ટકા પરિણામ છોકરીઓનું વધુ છે. છોકરીઓનું 70.62 ટકા પરિણામ છે જ્યારે છોકરાઓનું માત્ર 59.58 ટકા જ પરિણામ આવ્યું છે. અર્થાત્ આ વર્ષે 399267 છોકરાઓ અને 335630 છોકરીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 237865 છોકરાઓ પરીક્ષામાં પાસ થયા છે, જ્યારે 237028 છોકરીઓ પાસ થઈ છે.  બોર્ડની પરીક્ષાના પરિણામમાં 6111 વિદ્યાર્થીઓને એ-1, 44480 વિદ્યાર્થીઓને એ-2, 86611 વિદ્યાર્થીઓને બી-1, 127652 વિદ્યાર્થીઓને બી-2, 139248 વિદ્યાર્થીઓને સી-1, 673773 વિદ્યાર્થીઓઁ સી-2, 3412 વિદ્યાર્થીઓને ડી-6 વિદ્યાર્થીઓને ઇ-1 ગ્રેડ મળ્યા છે. આ વર્ષે સૌથી વધુ 1.96 લાખ વિદ્યાર્થી બેસિક ગણિતમાં નાપાસ થયા છે. જ્યારે માતૃભાષા ગુજરાતીમાં 96 હજાર વિદ્યાર્થી નાપાસ થયા છે. તો બીજી તરફ અંગ્રેજી પ્રથમ ભાષા વિષયમાં સૌથી વધુ 95.06 પાસ ટકાવારી જ્યારે વિજ્ઞાનનું સૌથી ઓછું પરિણામ 67.72 ટકા નોંધાયું છે. દરેક વિષયની વાત કરીએ તો ગુજરાતી કિમાં 84.60 ટકા, હિન્દી કિમાં 89.78 ટકા, અંગ્રેજી કિમાં 95.06 ટકા, સોશિયલ સાયન્સમાં 86.77 ટકા, વિજ્ઞાન 67.72 ટકા, સ્ટાન્ડર્ડ મેથ્સમાં 94.99 ટકા, ગુજરાતી જકમાં 89.73 ટકા, હિન્દી જકમાં 87.34 ટકા, અંગ્રેજી જકમાં 85.21 ટકા, સંસ્કૃત જકમાં 90.89 ટકા અને બેઝિક મેથ્સમાં 70.49 ટકા પરિણામ જાહેર કરાયું છે.આ વર્ષે 0 ટકા પરિણામ લાવનારી શાળાઓની સંખ્યામાં ગત વર્ષ કરતાં વધારો થયો છે. સાથે જ 100 ટકા પરિણામ  ધરાવતી શાળાઓમાં ઘટાડો, જ્યારે 30 ટકા કરતાં ઓછું પરિણામ લાવનારી શાળાઓની સંખ્યામાં વધારો થયો છે. બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 2022માં 1007થી વધીને આ વર્ષે 1084 થઈ ગઈ છે. 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 2022 માં 294 થી ઘટીને આ વર્ષે 272 થઈ ગઈ છે. જ્યારે 0 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 2022માં 121 હતી તે વધીને આ વર્ષે 157 થઇ છે.   ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગેરરિતીના 30 કેસ નોંધાયા હતા. જ્યારે સીસીટીવી ફૂટેજના અનુસંધાને નોંધાયેલ ગેરરીતિના કેસ 681 નોંધાયા છે, જેમનું પરિણામ તપાસ ન થાય ત્યાં સુધી અનામત રાખવામાં આવ્યું છે. 

કચ્છમાં ગામડાં શહેરોથી આગળ 

ભુજ, તા. 25 : ગુજરાત રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. 10ની પરીક્ષાનું પરિણામ ગુરુવારે જાહેર કરાયું હતું. આપણા કચ્છના 68.71 ટકા પરીક્ષાર્થી સફળ થતાં વિતેલા વર્ષની તુલનાએ પરિણામ 7.43 ટકા ઊંચું આવ્યું છે. એ જ રીતે રાજ્ય કરતાં જિલ્લાનું પરિણામ 4.09 ટકા વધુ આવ્યું છે. બીજીતરફ કચ્છમાં ગત વર્ષ કરતાં 94 ટકા, 109 છાત્રએ એ-વન ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે. સમગ્ર રાજ્યમાં ગત વર્ષના 23મા સ્થાનમાંથી મોટી છલાંગ લગાવતાં કચ્છે આ વરસે ગુજરાતમાં આઠમું સ્થાન મેળવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર તેમજ શિક્ષણ તંત્રના અન્ય અધિકારીઓએ છાત્રોની સફળતાને વધાવતાં શુભેચ્છા આપી હતી. જિલ્લાની કુલ્લ 14 શાળાના તમામ વિદ્યાર્થી સફળ થતાં 100 ટકા પરિણામ આવ્યું છે. તો આઠ શાળા એવી છે જેનું પરિણામ 10 ટકાથી પણ નીચું આવ્યું છે. સમગ્ર કચ્છમાં કેન્દ્રવાર પરિણામ પર નજર કરીએ તો આ વર્ષે જ ઉમેરાયેલું ઝરપરા કેન્દ્ર 80.11 ટકા સાથે ટોચનું સ્થાન મેળવીને ઝળક્યું છે. એ સિવાય ખાસ ધ્યાને લેવા જેવી બાબત તો એ છે કે, કુલ્લ 37 કેન્દ્ર પરથી લેવાયેલી પરીક્ષામાં `ટોચના આઠ' તરીકે સ્થાન મેળનારા ગામડાઓ છે. આમ, વિતેલા વરસની જેમ જ ટકાવારીની દૃષ્ટિએ `શહેરી કચ્છ' કરતાં `ગ્રામીણ કચ્છ' આગળ રહ્યું છે. સામાન્ય રીતે શૈક્ષણિક દૃષ્ટિએ પછાત હોવાનું કલંક ભૂંસવાના પ્રયાસોમાં ગામડાઓએ સારી સફળતા મેળવી છે તેવું પરિણામના આંકડાઓ પરથી દેખાય છે. વિતેલા વર્ષે ઉમેરાયેલા બાલાસર અને આ વર્ષે ઉમેરાયેલા ઝરપરા સહિત કચ્છભરમાં કુલ્લ 37 કેન્દ્ર પરથી નોંધાયેલા કુલ્લ 19,876માંથી 19,715 છાત્રે પરીક્ષા આપી હતી, જેમાંથી 13,546 છાત્ર સફળ રહ્યા હતા, તો 6119 છાત્રના પરિણામ પત્રકમાં `હજુ સુધારાની જરૂર છે' તેવી નોંધ શિક્ષણ બોર્ડના મૂલ્યાંકનકારોએ કરી હતી. આ વખતે જ પહેલવહેલી વાર સ્થાન પામેલું મુંદરા તાલુકાનું ઝરપરા કેન્દ્ર પ્રથમ સ્થાને રહ્યું હતું. આ કેન્દ્ર પરથી 176માંથી 141 છાત્ર સફળ થતાં 80.11 ટકા પરિણામ આવ્યું છે. કચ્છમાં ટોચના આઠ કેન્દ્રમાં ઝરપરા ઉપરાંત કોડાય પુલ, બિદડા, કુકમા, માધાપર, ફતેહગઢ, કેરા અને કટારિયા જેવા નાના ગામડાઓએ સ્થાન મેળવીને કાંઠું કાઢ્યું છે. આ બધા ગામડા બાદ કચ્છના શહેરી કેન્દ્રોમાં 74.35 ટકા સફળતા સાથે માંડવી મોખરે રહ્યું છે. જિલ્લાના 37માંથી 16 કેન્દ્રના પરીક્ષાર્થીઓએ 70 ટકા કરતાં વધુ સફળતા મેળવી છે, તો કુલ્લ 27 કેન્દ્રનું પરિણામ 60 ટકા કરતાં ઊંચું રહ્યું છે. વિતેલા વરસે વાગડનો વટ પાડી દેતાં મોખરે રહેલા મનફરા કેન્દ્રનું પરિણામ આ વખતે 50 ટકાથી નીચું રહ્યું છે. ટોચે આવેલા ગામડાઓમાં ઝરપરાનું 80.11 ટકા, કોડાય પુલ 77.59, બિદડા 77.52, કુકમા 77.43, માધાપર 76.42, ફતેહગઢ 76.10, કેરા 75.56 અને કટારિયાનું 75.54 ટકા પરિણામ આવ્યું છે. શહેરોમાં મોખરે અને કુલ્લ 37 કેન્દ્રમાં નવમા સ્થાને રહેલા માંડવીના 1224માંથી 910 અર્થાત્ 74.35 ટકા છાત્ર સફળ રહ્યા હતા. ત્યારબાદ નખત્રાણાના 74.06, ભુજના 74.01, મુંદરાના 71.99, આદિપુરના 71.98 ટકા વિદ્યાર્થી સફળ થયા હતા. આડેસર, વિથોણ, ગઢશીશા અને બાલાસર જેવા ગામડાઓના છાત્રોએ 70 ટકા કરતાં વધુ સફળતા મેળવી છે. એ સિવાય રાપર, ગાંધીધામ, ભચાઉ, મોથાળા, લાકડિયા, ખાવડા, કોઠારા, ભુજોડી, ઢોરી, ભચાઉ, મોથાળા, લાકડિયા અને ગાગોદર કેન્દ્રોએ 70 ટકાથી ઓછી પરંતુ 60 ટકાથી વધુ સફળતા મેળવી છે. નલિયા, સામખિયાળી, કોટડા, પાનધ્રો, રતનાલ કેન્દ્રોએ 60 ટકાથી ઓછી સફળતા મેળવી છે. આ વખતે 50 ટકાથી ઓછું પરિણામ હોય તેવું એકમાત્ર મનફરા કેન્દ્ર રહ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang