• રવિવાર, 18 ઑક્ટોબર, 2026

સગીરાના દુષ્કર્મ કેસમાં આરોપી યુવકને 25 વર્ષ તથા તેના માતા-પિતા અને બનેવીને 20-20 વર્ષની કેદ

ભુજ, તા. 17 : લગ્ન કરવાના ઈરાદે સગીરાનું અપહરણ કરી અવાર-નવાર દુષ્કર્મ ગુજારવાના કેસમાં ભુજની ખાસ પોકસો કોર્ટે મુખ્ય આરોપી 22 વર્ષીય યુવક સલામાન ગુલામશા સૈયદને 25 વર્ષની સખત કેદ તથા સહઆરોપીઓ માતા-પિતા શેરબાનુ અને ગુલામશા ઈબ્રાહિમશા સૈયદ (રહે ત્રણે ભુજ) તથા બનેવી અકરમશા મામદશા સૈયદ (રહે. મુંદરા)ને 20-20 વર્ષની સખત કેદની સજા આપતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. તમામ આરોપીઓને કુલ્લે રૂપિયા દોઢ લાખનો દંડ પણ ફટકારાયો છે.  આ કેસની ટૂંક વિગતો મુજબ આરોપી ભુજના ગુલામશા અને તેમના પત્ની શેરબાનુ તેમના પુત્ર સલમાનનાં ભોગ બનનાર સગીરા સાથે લગ્ન કરવા માવતરને અવાર-નવાર દબાણ કરતા હતા. સગીરાના વાલીએ ના પાડતાં ઉપાડી જવાની ધમકી આપી હતી. આરોપીઓ એકસંપ કરી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી 17 વર્ષ 6 માસની સગીરાનું મુખ્ય આરોપી સલમાન પોતાની ક્રેટા ગાડીમાં ભોગ બનનારનું અપહરણ કરી મુંદરા ખાતે લઈ ગયો હતો. મુંદરામાં આરોપી સલમાનના બનેવી અકરમશાએ મકાન રખાવી તેમાં છુપાવા માટેની વ્યવસ્થા કરી આપી હતી. દરમયાન આરોપી સલમાને ભોગ બનનારને લગ્નની લાલચ આપી પોતાની કારમાં અજમેર લઈ ગયો હતો અને અજમેરથી પરત આવી મુંદરા ખાતેના મકાનમાં સગીરાની મરજી વિરુદ્ધ અવાર-નવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ ભુજના એ-ડિવિઝન પોલીસ મથકે વર્ષ 2023માં આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો તળે નોંધાઈ હતી. તપાસના અંતે પુરાવાના આધારે જે-તે સમયના પી.આઈ. તપાસકર્તા એ. એમ. પટેલે કોર્ટમાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ સ્પે. પોકસો કોર્ટમાં જજ એમ. એફ. ખત્રી સમક્ષ ચાલી જતાં ફરિયાદ પક્ષે 56 દસ્તાવેજી પુરાવા તથા 16 સાક્ષી તપાસી આરોપીઓને તકસીરવાન ઠેરવી મુખ્ય આરોપી સલમાનને 25 વર્ષની  સખત કેદ તથા સહઆરોપીઓ ગુલામશા, શેરબાનુ અને અકરમશાને 20-20 વર્ષની સખત કેદની સજા તથા તમામ આરોપીઓને કુલ્લે રૂપિયા દોઢ લાખનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે. આ ઉપરાંત રૂા. ત્રણ લાખનું વળતર ચૂકવવા માટે ડી.એલ.એસ.એ.ને ભલામણ કરવાનો અને દંડની રકમ ભોગ બનનારને ચૂકવવા કોર્ટે હુકમ કર્યો છે. ફરિયાદ પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ સાક્ષી તપાસી દલીલો કરી હતી. સહાયક તરીકે એડવોકેટ માલશ્રીબેન ગઢવી હાજર રહ્યા હતા.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd