ભુજ, તા. 8 : અબડાસા તાલુકાનાં જખૌ બંદર
પાસે આજે સવારે ધુમ્મસનાં પગલે ઊભેલાં ટ્રેઈલરની પાછળ એસ.ટી. બસ ભટકાતાં ડ્રાઈવર-કંડક્ટર
ઘાયલ થયા હતા અને બસમાં એક લાખનું નુકસાન થયું હતું. આ અકસ્માત અંગે જખૌ મરિન પોલીસ
મથકે, નલિયા એસ.ટી. ડેપો દ્વારા નોંધાવાયેલી ફરિયાદ
મુજબ નલિયા-જખૌ લોકલ બસ નં. જીજે-18-ઝેડ -4667 આજે સવારે
6:30 વાગ્યે જખૌ બંદર નજીક પહોંચી, ત્યારે મીઠું ભરેલું ટ્રેઈલર નં. એચઆર-38-એજી-4799વાળાએ કોઈ જાતના રિફલેક્ટર
કે પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વિના પાર્ક કર્યું હતું. ધુમ્મસ જેવાં વાતાવરણના લીધે બસના ડ્રાઈવરને ઊભેલું આ ટ્રેઈલર
ન દેખાતાં બસ તેમાં ભટકાઈ હતી. આથી બસના ડ્રાઈવર દિનેશભાઈ કાળાભાઈ મોરકી અને કંડક્ટર
રાધિકાબેન રામજીભાઈ સથવારાને ગંભીર ઈજાઓ તથા મુસાફરો નાની મોટી ઈજાઓ થઈ હતી. બસમાં
અંદાજે રૂા. એક લાખનું નુકસાન થયું હતું. ફરિયાદના આધારે પોલીસે ટ્રેઈલરચાલક વિરુદ્ધ
ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.