ભુજ, તા. 1 : મુંદરા પોલીસ મથકમાં જાન્યુઆરી-2021માં બનેલા કસ્ટોડીયલ ડેથના
ભારે ચકચારી કેસમાં પ્રકરણના સૂત્રધાર બતાવાયેલા આરોપી સમાઘોઘા ગામના માજી સરપંચ જયવીરસિંહ
વિક્રમસિંહ જાડેજા માટે મુકાયેલી જામીનની અરજી રાજ્યની વડી અદાલતે નામંજૂર કરી હતી. કેસના અન્ય તહોમતદાર
તત્કાલીન પોલીસ ઈન્સ્પેક્ટર જે.એ. પઢિયાર તથા શંભુ દેવરાજ જરુ અને વિરલ જીતેન્દ્ર જોષીને
આપવામાં આવેલા જામીનનો સંદર્ભ ટાંકીને આરોપી જયવીરસિંહ જાડેજા માટે જામીન ઉપર મુક્ત
કરવાની આ અરજી હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી
હતી. સુનાવણીના અંતે કેસની ગંભીરતા, આરોપીની ભૂમિકા અને તેના ગુનાહિત ઈતિહાસના પાસાઓ કેન્દ્રમાં રાખીને ન્યાયાધીશે
અરજી નામંજૂર કરતો આદેશ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રકરણના
સૂત્રધાર તરીકે દર્શાવાયેલા આરોપી જયવીરસિંહ માટે હાઈકોર્ટ સમક્ષ આ સાતમી વખત જામીન
અરજી મુકાઈ હતી, જેમાં આ ચોથીવાર અરજી નામંજૂર કરાઈ છે,
જ્યારે ત્રણ વખત અરજી પરત ખેંચાઈ છે. હાઈકોર્ટ સમક્ષ જામીન અરજીની સુનાવણીમાં
ગુજરાત સરકાર વતી પબ્લિક પ્રોસીક્યુટર તરીકે અસ્મિતાબેન પટેલ હાજર રહ્યા હતા,
તો ફરિયાદ પક્ષ વતી વરિષ્ઠ ધારાશાત્રી
કીર્તિદેવ આર. દવે રહ્યા હતા. તેઓની સાથે સ્થાનિકેથી કેસના ખાસ નિયુક્ત સરકારી વકીલ
અનિલભાઈ આર. દેસાઈ તથા ફરિયાદ પક્ષ વતી અત્રેના સિનિયર એડવોકેટ ડી.વી. ગઢવી સાથે વાય.વી.
વોરા, એ.એન. મહેતા, એચ.કે. ગઢવી અને એસ.એસ.
ગઢવી રહ્યા હતા.