• ગુરુવાર, 02 જુલાઈ, 2026

15.40 લાખના દારૂ સહિત 55.10 લાખનો મુદ્દામાલ જપ્ત

ભુજ, તા. 30 : અડધી રાતે મુંદરાના પ્રતાપપરની સીમમાં શરાબનાં કટિંગ વેળાએ બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડતાં પોલીસને જોઇ સ્કોર્પિયો સાથે બુટલેગર દેવરાજ ગોપાલ ગઢવી (માંડવી) અને અન્યો બાવળની ઝાડીઓમાં નાસી છૂટયા હતા. આ સફળ દરોડામાં પોલીસે રૂા. 15,40,284ના શરાબના જથ્થા સાથે એક ટ્રક-એક આઇસર અને બે કાર તથા બાઇક અને બે મોબાઇલ સહિત કુલે રૂા. 55,10,284નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એલસીબીની ટીમ મુંદરા વિસ્તારમાં રાતે પેટ્રોલિંગમાં હતી, ત્યારે ખાનગી બાતમી મળી હતી કે, લિસ્ટેડ બુટલેગર દેવરાજ ગઢવીએ રાજ્ય બહારથી ટ્રકમાં શરાબનો જથ્થો મગાવી હાલ પ્રતાપપર બાજુ કટિંગ કરી રહ્યો છે.આ સચોટ બાતમીનાં પગલે પંચોને સાથે રાખી એલસીબીએ દરોડો પાડતાં પોલીસને જોઇ હાજર માણસો બાવળોની ઝાડીઓમાં નાસી છૂટયા હતા અને બુટલેગર દેવરાજ ગઢવી સ્કોર્પિયો કારથી નાસી ગયો હતો.દરોડાવાળાં સ્થળેથી વિવિધ બ્રાન્ડની શરાબની બોટલો 5772 તથા બિયરના ટીન નંગ 1584 જે તમામની કિં. રૂા. 15,40,284 તેમજ આ કામે ઉપયોગમાં લેવાયેલા લોડિંગ વાહનો ટ્રક નં. જી.જે. 12 એટી-6580, આઇસર-1109 નં. જી.જે. -11-વીવી-5008 અને અર્ટિગા કાર નં. જી.જે.-12- બીઆર-7787 તથા ક્રેટા કાર નં. જી.જે.-12-ડીએસ-6242, બાઇક નં. જી.જે.-12-એચઇ-3453 જેની તમામની કિં. રૂા. 39,50,000 તેમજ બે મોબાઇલ કિં. રૂા. 20,000 એમ કુલે રૂા. 55,10,284નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી દેવરાજ ગઢવી સહિત આ વાહનના માલિક અથવા ચાલક અને તપાસમાં જે નીકળે તેની વિરુદ્ધ મુંદરા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં એલસીબીના પી.આઇ. એ. એમ. મકવાણા, પીએસઆઇ એમ.એચ. શિણોલ, એએસઆઇ પ્રદ્યુમનસિંહ ગોહિલ, અનિરુદ્ધસિંહ રાઠોડ, હે.કો. મૂળરાજભાઇ ગઢવી, લીલાભાઇ દેસાઇ, રાજદીપસિંહ ગોહિલ, રાજેશભાઇ ગઢવી, કોન્સ. રામજીભાઇ રબારી, મહેશભાઇ ચૌહાણ, ડ્રાઇવર મહેન્દ્રસિંહ જાડેજા જોડાયા હતા. 

Panchang

dd