ભુજ, તા. 17 : આજે લખપત તાલુકાના માતાના
મઢ ક્ષેત્રમાં કચ્છની ફ્લાઈંગ સ્કવોડ ટીમે આકસ્મિક તપાસ હાથ ધરી સપાટો બોલાવી ગેરકાયદે
ખનિજ વહન અને ખનન કરતાં મશીન અને વાહનો જેની કિં. રૂા. 1.55 કરોડ જપ્ત કર્યા હતા. કચ્છના
પેટાળમાં કિંમતી ખનિજ ધરબાયેલું છે અને લાંબા સમયથી તેની બેફામ રીતે ચોરી થતી આવી રહી
છે. આજે રવિવારે જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળની કચ્છની ફ્લાઈંગ સ્કવોડની તપાસ ટીમ
દ્વારા લખપત તાલુકાના માતાના મઢ સીમ વિસ્તાર ખાતે ધસી જઈ આકસ્મિક તપાસ હાથ ધરતાં ત્યાં
સાદી માટી તથા બેન્ટોનાઈટ ખનિજનું ગેરકાયદે વહન અને ખનન સામે આવ્યું હતું. આમ ગેરકાયદે
વહન અને ખનન કરતાં ચાર ડમ્પર તથા બે એસ્કેવેટર મશીન અને એક જે.સી.બી. કંપનીનું લોડર
પકડવામાં આવ્યું હતું. બે એસ્કેવેટર મશીનો તથા લોડરને સીઝ કરી કોટડા ગ્રામ પંચાયતની
કસ્ટડીમાં જ્યારે ચાર ડમ્પરને સીઝ કરી દયાપર પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપવામાં
આવ્યાં છે. આ અંગેની આગળની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવશે તેવું ફ્લાઈંગ સ્કવોડની
યાદીમાં જણાવાયું છે. દરમ્યાન, ફ્લાઈંગ સ્કવોડના આ સપાટાથી પંથકમાં ચકચાર મચી છે. આ
પ્રવૃત્તિમાં રાજકીય આગેવાનો - કાર્યકરો સંકળાયેલા હોવાની ચર્ચાએ પણ ભારે જોર પકડયું
છે, ત્યારે ખરેખર કોની-કોની ભૂમિકા છે તે તપાસમાં બહાર આવશે તેના પર મીટ મંડાઈ છે.