• શનિવાર, 27 જુલાઈ, 2024

લો બોલો... ગાંધીધામ સંકુલમાં દેશી દારૂના બૂટલેગરો પણ બન્યા કેશલેસ

ગાંધીધામ, તા. 18 : આ શહેર સંકુલ અને પૂર્વ કચ્છમાં અનેક ઠેકાણે દેશી દારૂના પોઇન્ટ ધમધમી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી જે અંગે પોલીસે કડક હાથે કામ લીધું છે. દેશીના આવા હાટડા ચલાવતા શખ્સો પણ હવે કેશલેસ બન્યા છે. દારૂના પોઇન્ટ ઉપર આવા તત્ત્વો સ્કેનર સહિતની સુવિધાઓ આપી રહ્યા છે. આદિપુરના રાજવી ફાટકથી જુમાપીર ફાટક વચ્ચે એક ઝૂંપડામાંથી પોલીસે દેશી દારૂની કોથળીઓ સ્કેનર સહિતની વસ્તુઓ જપ્ત કરી હતી. શહેર, સંકુલના કાર્ગો, ખોડિયારનગર, સુંદરપુરી, ગણેશનગર, ભારતનગર, ઇન્દિરાનગર, આદિપુરના મણિનગર, સાતવાળી, અંતરજાળ-શિણાય વચ્ચે પુલિયા પાસે તથા પોલીસવડાની કચેરીથી થોડેક જ આગળ આદિપુર જતા માર્ગ ઉપર ડાબી બાજુની બાવળની ઝાડીઓમાં દેશી દારૂના પોઇન્ટ ધમધમી રહ્યા છે. નવા પોલીસવડા આવ્યા છે ત્યારથી પોલીસ દોડતી થઇ છે અને જુદા જુદા પ્રકરણોમાં સફળતા મેળવી રહી છે પરંતુ આવા બેનંબરી ધંધા હજુ પણ પીઠ પાછળ ધમધમતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. નાના-મોટા તમામ વેપારીઓ કેશલેસ બનીને પોતાની દુકાનો-રેંકડીઓમાં સ્કેનર રાખી રહ્યા છે ત્યારે બૂટલેગરો પાછળ કેમ રહે. બૂટલેગરોએ પણ પોતાના ગ્રાહકો માટે આ સુવિધા વિકસાવી છે. આદિપુરના રાજવી ફાટકથી જુમાપીર ફાટક વચ્ચે આવેલા કાચા ઝૂંપડામાં દેશી દારૂ વેચાતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં છાપો માર્યો હતો. ઝૂંપડામાં રહેલા દૂધના કેનમાંથી દેશી દારૂની કોથળીઓ જપ્ત કરાઇ હતી તેમજ ગ્રાહકો માટે રાખવામાં આવેલ ક્યુઆર સ્કેનર, સ્પીકર વગેરે હસ્તગત કરાયા હતા. અહીં હાજર શક્તિસિંહ મફાજી ઝાલાની પોલીસે અટક કરી હતી જ્યારે મુખ્ય સૂત્રધાર અમરશી રૂપા કોળી નામનો શખ્સ હાથમાં આવ્યો ન હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang